આમચી મુંબઈ

વિદ્યાવિહારમાં ગુજરાતી દંપતીને ઉડાવનાર સગીરના કાર સ્ટન્ટના વીડિયો વાયરલ: લોકોમાં આક્રોશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિદ્યાવિહાર નજીક પુરપાટ વેગે બેદરકારીથી કાર ચલાવી સ્કૂટરસવાર ગુજરાતી દંપતીને અડફેટે લેનારા સગીરના કાર અને બાઈક પરના સ્ટન્ટના વીડિયો વાયરલ થયા હતા, જેને પગલે સોશ્યલ મીડિયા પર દંપતીને ન્યાયની માગણી સાથે લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો.

પરેલની દુકાનમાંથી સ્કૂટર પર પાછાં ફરી રહેલાં ઘાટકોપરના દંપતી ધ્રુમીલ પટેલ (33) અને તેની પત્ની મીનલ (32)ને ગુરુવારની મધરાતે કિયા કારે અડફેટે લીધાં હતાં. આ ઘટનામાં દંપતી ગંભીર રીતે ઘવાયું હતું. સારવાર માટે તેમને પહેલાં રાજાવાડી હૉસ્પિટલ અને પછી ઘાટકોપરની ખાનગી હૉસ્પિટલમાં દાખલ કલવામાં આવ્યાં હતાં. ધ્રુમીલ પટેલને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે, જ્યારે મીનલનું સ્વાસ્થ્ય પણ નબળું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પ્રકરણે તિલક નગર પોલીસે કારમાલિક વાલજી રાજા ભૂષણ અને તેના 17 વર્ષના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ઘટના સમયે કાર વાલજી ભૂષણનો સગીર પુત્ર ચલાવતો હતો. પુત્ર સગીર વયનો હોવાની અને તેની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાની જાણ છતાં પિતા વાલજી ભૂષણે પુત્રને કાર ચલાવવા દીધી હોવાથી તેની વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

દરમિયાન આ ઘટનાને પગલે ઘાટકોપરના રહેવાસીઓમાં ઘણો રોષ ફેલાયો હતો. અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર સગીર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને તેની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરી દંપતીને ન્યાય આપવાની માગણી કરી હતી.
સગીર તેના મિત્રો સાથે કઈ રીતે કાર અને બાઈક પર સ્ટન્ટ કરતો હતો તેના વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયા હતા. કહેવાય છે કે આ રીલ સગીરના મિત્રોએ બનાવી હતી, જેને ઈન્સ્ટાગ્રામ પર મૂકવામાં આવી હતી. જોકે અકસ્માતની ઘટના પછી સગીરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરના સ્ટન્ટને લગતા બધા વીડિયો ડિલીટ કરી નાખ્યા હતા.

સોશ્યલ મીડિયા પર બે વીડિયો હાલમાં જોવા મળ્યા હતા, જેમાં એક વીડિયો દંપતીને અડફેટે લેનારી કાર પર સ્ટન્ટનો હોવાનું કહેવાય છે. વળી, આ વીડિયો એ જ સ્થળે બનાવવામાં આવ્યો હતો, જ્યાં દંપતીના સ્કૂટરને કારથી ટક્કર મારવામાં આવી હતી. આ માર્ગ પર અનેક વાર સગીરે મિત્રો સાથે વીડિયો બનાવ્યા હોવાનું કહેવાય છે.

એક વીડિયોમાં સગીરની ચાલતી કારના બોનેટ પર એક લવરમૂછિયો સૂતેલો છે તો બીજા મિત્રો કારની બારીમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા નજરે પડે છે. એ જ રીતે સ્કૂટર પર સવાર ત્રણ કિશોરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં જોખમી રીતે સ્કૂટર એક ટાયર પર ચલાવતો સગીર નજરે પડે છે. આ વીડિયોમાંના ત્રણ સગીરમાં એક આરોપીનો પણ સમાવેશ હોવાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો…દરેક ગુના વખતે દેખાવ અને કપડાં બદલનારો હાઈપ્રોફાઈલ ચેનસ્નેચર શૂઝને કારણે પકડાયો…

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button