વર્સોવામાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સુધરાઈએ તોડી પાડી
આગામી દિવસોમાં ૩૫ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનો નિર્ધાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સુધરાઈ દ્વારા છેલ્લા અનેક મહિનાઓથી વર્સોવાના વેસાવે ગામમાં ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે હેઠળ વેસાવામાં પાંચ બહુમાળીય બિલ્ડિંગને સુધરાઈના કે-વેસ્ટ વોર્ડ દ્વારા તોડી પાડવામાં આવી હતી.
વેસાવેમાં પર્યાવરણની દૃષ્ટિએ સંવેદનશીલ રહેલો કાદવવાળો પ્રદેશ અને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન અંતર્ગત આવતી જગ્યા પર ગેરકાયદે રીતે ઊભી કરવામાં આવેલી પાંચ બિલ્ડિંગ ઊભી થઈ હતી.

કે-પશ્ચિમ વોર્ડના આસિસ્ટન્ટ કમિશનર ચક્રપાણી એ. દ્વારા જણાવાયું હતું કે સંબંધિતોને અનેક વખત ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. છતાં તેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
આ પણ વાંચો: મુંબઈગરાને લાગુ પડશે ‘યુઝર ફી’: ૧૦૦ રૂપિયાથી લઈને ૧૦,૦૦૦ રૂપિયા સુધીની ફી વસૂલાશે
વેસાવેમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ આવતી કાદવવાળી જગ્યામાં તેલ ગલીમાં ગ્રાઉન્ડ પ્લસ પાંચ માળની કુટૂર હાઉસ, વેસાવે પંપ હાઉસ સામે ગા્રઉન્ડ પ્લસ એક માળની સાઈશ્રદ્ધા નિવાસ, ગોમા ગલીમાં ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું નાગા હાઉસ, માંડવી ગલીમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળનું ઝેમણે હાઉસ, બજાર ગલીમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ગણેશ સાગર બિલ્ડિંગનું ગયા આખા વર્ષ દરમ્યાન ગેરકાયદે રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું હતું.

બાંધકામ માટે સુધરાઈ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી. તેથી તેમની સામે કાર્યવાહી કરીને તેને તોડી પાડવામાં આવ્યા હતા. તે માટે ૩૫ હૅંડ બે્રકર, આઠ ગૅસ કટર તેમ જ આઠ જનરેટરની સાથે ૮૦ અધિકારી-કર્મચારીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ બાંધકામ તોડી પાડ્યું હતું.