વર્સોવા-દહીસર કોસ્ટલ રોડને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડથી કનેક્ટ કરાશે, જાણો નવી અપડેટ
મુંબઈ: પશ્ચિમ મુંબઈના ઉત્તર વર્સોવાથી ઉત્તર મુંબઈના દહિંસર સુધીના કોસ્ટલ રોડના કામકાજને પૂરું કરવા મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ કન્સલ્ટન્ટની નિમણૂક કરી હતી. જોકે, કોસ્ટલ રોડના બીજા તબક્કામાં પેકેજ-બી હેઠળના બાંગુરનગરથી માઇન્ડ સ્પેસ મલાડ સુધીના રોડના કામકાજ માટે પાલિકા દ્વારા ટેન્ડર જારી કરવામાં આવ્યું છે.
માઇન્ડ સ્પેસ મલાડ સુધીના આ રોડ મુંબઈના ગોરેગાવ મુલુંડ લિન્ક રોડને પણ જોડવાનું કામ કરશે, જેથી આ ઉપનગરોનો પ્રવાસ વધુ ઝડપી અને સરળ બનશે. આ કોસ્ટલ રોડના પ્રોજેકટને છ તબક્કામાં નિર્માણ કરવામાં આવશે.
આ કંપનીઓ માટે બાંગુરનગરથી માઇન્ડ સ્પેસ મલાડ સુધીના રોડના ટેન્ડર ભરવા માટે એક ડિસેમ્બર 2023 એ છેલ્લી તારીખ રહેશે. આ સંપૂર્ણ પ્રોજેકટ માટે 16,621 કરોડ રૂપિયાનો બજેટ મંજૂર કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
કોસ્ટલ રોડના પ્રોજેકટને છ તબક્કાના નિર્માણમાં વર્સોવાથી બાંગુરનગર, બાંગુરનગરથી માઇન્ડ સ્પેસ મલાડ, માઇન્ડ સ્પેસ મલાડથી ચારકોપ ઉત્તર ટનલ, ચારકોપથી માઇન્ડ સ્પેસ દક્ષિણ પેરેલલ ટનલ, ચારકોપથી ગોરાઈ, અને ગોરાઈથી દહિંસર સુધીનો રોડ બાંધવામાં આવશે.
કોસ્ટલ રોડના દક્ષિણ મુંબઈથી ભાયંદર સુધીના કામમાં મરીન ડ્રાઇવના દક્ષિણ બાજુનો વરલી સી લિન્ક માટે 10.58 કિ.મી., 5.6 કિલોમીટરનો હાલનો બાન્દ્રા વરલી સી લિન્ક, બાન્દ્રા-વર્સોવા સી લિન્ક માટે 17 કી.મી., વર્સોવા-દહિંસર જંકશનનો 20.4 કિમી અને ત્યાર બાદ દહિંસર પશ્ચિમથી ભાયંદરના સુધીના વિસ્તાર માટે પાંચ કિમીનો રોડનું નિર્માર્ણ કરવામાં આવશે.