આમચી મુંબઈ

કોસ્ટલ રોડ: વર્સોવા-દહિસર ફેઝને વન વિભાગની મંજૂરી, મુસાફરીના સમયમાં થશે મોટો ઘટાડો

મુંબઈ: વર્સોવાથી દહિસર વચ્ચેના કોસ્ટલ રોડના કામમાં હવે વધુ ગતિ મળશે. આ પ્રોજેક્ટમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) વિસ્તારમાં કામ કરવા માટે વન વિભાગની મંજૂરી મેળવવી આવશ્યક હતી. તેના વિના કામ આગળ વધી શકે તેમ નહોતું. આખરે, આ કામ માટે વન વિભાગની મંજૂરી મળી ગઈ છે. આથી, સીઆરઝેડ વિસ્તારમાં કામ શરૂ થશે અને પ્રોજેક્ટના કાર્યને આગળ વધારવામાં મદદ મળશે.

મરીન ડ્રાઇવ અને વરલી વચ્ચેના કોસ્ટલ રોડનું કામ પૂર્ણ થયા પછી, મુંબઈ મહાનગરપાલિકા હવે વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડ પર કામ કરી રહ્યું છે. આ રોડ કેટલાક પટ્ટામાં ડબલ એલિવેટેડ રોડ હશે તો કેટલાક પટ્ટામાં ખાડીની નીચેથી ટનલ દ્વારા બનાવવામાં આવશે.

આ પ્રોજેક્ટને ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ સાથે જોડીને પશ્ચિમ અને પૂર્વ એક્સપ્રેસ હાઈવે પરના વાહનચાલકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવશે. છ તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. ૧૬,૬૨૧ કરોડ છે. આશરે ૨૨ કિમી લાંબો આ વર્સોવા-દહિસર કોસ્ટલ રોડ મુસાફરીને ઝડપી અને સરળ બનાવવામાં મદદરૂપ થશે.

મહાનગરપાલિકાની માલિકીની જમીન પર આ કોસ્ટલ રોડનું કામ અમુક અંશે શરૂ થઈ ગયું છે. જોકે, સીઆરઝેડ વિસ્તારના કામો મંજૂરી વિના અટકેલા હતા. મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ્સ અને વિવિધ વૃક્ષોને કારણે સીઆરઝેડ સહિતની વિવિધ પરવાનગીઓ મેળવવી આવશ્યક હતી.

તમામ પરવાનગીઓ મળી ગયા પછી પણ વન વિભાગની મંજૂરી મહાનગરપાલિકાને મળી નહોતી. આખરે, આ મંજૂરી મળી ગઈ હોવાની માહિતી મુંબઈ મહાનગરપાલિકાના અધિક કમિશનર અભિજીત બાંગરે આપી હતી. તેના કારણે સીઆરઝેડ વિસ્તારમાં કામો ટૂંક સમયમાં શરૂ થશે.

આ રસ્તો પૂર્ણ થયા પછી, વર્સોવાથી દહિસર, ભાયંદર સુધીનો મુસાફરીનો સમય ૨ કલાકથી ઘટીને ૨૦ મિનિટ થઈ જશે. ૩૩.૬ કિમીનું અંતર પણ ઘટીને ૨૩.૨ કિમી થઈ જશે. આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની અંતિમ તારીખ ડિસેમ્બર ૨૦૨૮ છે અને આ રસ્તો પશ્ચિમ મુંબઈમાં કોસ્ટલ રોડ, બાંદ્રા વર્લી સી લિંક અને બાંદ્રા-વર્સોવા સી લિંક સાથે પણ જોડવામાં આવશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button