વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ દોઢ મહિનામાં શરૂ થઈ જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ કોસ્ટલ રોડને વર્સોવાથી દહિસર સુધી લઈ જવાના પ્રોજેકટ માટેનો કૉન્ટ્રેક્ટ આપવાના લગભગ વર્ષ બાદ હવે આ મહત્ત્વાકાંક્ષી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોેજેક્ટનું કામ આગામી ૪૫ દિવસથી અંદર ચાલુ થઈ જશે એવી ખાતરી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન તથા ઉત્તર મુંબઈના સાંસદ સભ્ય પીયૂષ ગોયલે શનિવારે આપી હતી.
શનિવારે પીયૂષ ગોયલે પાલિકા, મ્હાડા, એસઆરએ, એમએમઆરડીએ, કલેકટર, પોલીસ પ્રશાસન સહત જુદા જુદા અધિકારીઓ સાથે પાલિકા મુખ્યાલયમાં બેઠક કરી હતી. જેમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ પ્રોજેક્ટ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ-બે પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ૨૦ કિલોમીટરનો લગભગ ૧૬,૬૨૧ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ જે વર્સોવા અને દહિસરને જોડશે અને ટ્રાફિકમાંથી રાહત આપવાનો છે. આ નવો કોસ્ટલ પ્રોજેક્ટ દહિસર ચેક નાકા પરના ભારને ૩૦થી ૩૫ ટકા ભાર ઘટાડશે એવું માનવામાં આવે છે. આ પ્રોજેક્ટ માટેનો વર્ક ઓર્ડર ગયા વર્ષે બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ અમુક મંજૂરીઓને કારણે પ્રોજેક્ટમાં અનેક અવરોધ આવ્યા હતા.
આ પ્રોજેક્ટને કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) ની મંજૂરી સહિત અન્ય જરૂરી મંજૂરી મળી ગઈ છે. પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી જરૂરી વાંધા સૂચના પણ ટૂંક સમયમાં મળી જશે. ત્યારબાદ તેને હાઈ કોર્ટમાં સબમિટ કરવામાં આવશે. આગામી ૪૫ દિવસમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલુ કરી દેવામાં આવશે એવો દાવો પાલિકા પ્રશાસન તરફથી કરવામાં આવ્યો છે.
ઉત્તર મુંબઈમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના કામ હાથ ધરવામાં આવવાના છે, જેમાં લોંખડવાલા ડીપી રોડ, મલાડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ વગેરે કામનો સમાવેશ થાય છે. બોરીવલી (પૂર્વ)માં પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ કરવામાં આવવાની છે. આરોગ્ય સેવા સુધારવા માટે ઉપાય યોજના, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં બુદ્ધ ભગવાનની પ્રતિમા બાબતનો અભ્યાસ અને યોજના, પોઈસર નદીને પહોળી કરવાના તથા પુનર્વસન જેવા મુદ્દા પર પણ ધ્યાન આપવામાં આવવાનું છે. બોરીવલીનો ગોરાઈમાં રિફ્યુઝ ટ્રાન્સફર સેન્ટરમાં કચરો મોકલવાનું બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.
મીઠ ચોકી પુલનું કામ પૂરું
મલાડ પશ્ર્ચિમમાં મીઠ ચોકી ફ્લાયઓવરનું કામ પૂરું થયું છે અને બચેલું કામ પૂરી કરીને જાન્યુઆરીના આ ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કરીને તેને પૂર્ણ રીતે ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે એવો દાવો શનિવારે કરવામાં આવ્યો છે. આ અગાઉ તબક્કાવર મીઠ ચોકીનો ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે.
Also read: વર્સોવાથી દહિસર કોસ્ટલ રોડનું કામ ફાસ્ટ ટ્રેક પર
ખારા પાણીને મીઠો કરવા પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા
મુંબઈની પાણીની વધતી માગણીને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા દરિયાના ખારાના પાણીને મીઠા કરવાનો પ્રોજેક્ટ મનોરી ખાતે ઊભો કરવામાં આવવાનો છે. જોકે આ પ્રોજેક્ટ માટે બહાર પાડવામાં આવતા ટેન્ડર પ્રકિયાને પ્રતિસાદ મળતો ન હોવાથી આ પ્રક્રિયા જ રદ કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હતો. જોકે હવે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાને આ પ્રોજેક્ટને ઝડપથી અમલમાં લાવવા માટે પાલિકા પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો.