વેણુગોપાલ અને ચેન્નીથલાએ મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી

મુંબઇ: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જનરલ સેક્રેટરી (સંગઠન) કે. સી. વેણુગોપાલ અને મહારાષ્ટ્રના ઈન્ચાર્જ રમેશ ચેન્નીથલા શુક્રવારે મુંબઈમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટેની રાજ્યના પક્ષની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આવ્યા હતા અને તેમણે પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠકો કરી હતી.
તેઓ રાજ્યના નેતાઓ, જિલ્લા પ્રમુખો, સંસદસભ્યો, વિધાનસભ્યો, રાજ્ય કૉંગ્રેસના પદાધિકારીઓની સાથે મુલાકાત કરશે. રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ ઓક્ટોબરમાં થશે એવા અંદાજ સાથે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: વરસાદની અસર: મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહો સ્થગિત
દક્ષિણ મુંબઈની ગરવારે ક્લબમાં આખો દિવસ આ બેઠકોનો દોર ચાલ્યો હતો અને ત્યારબાદ રાજ્ય કૉંગ્રેસના મુખ્યાલયમાં બધા જ જિલ્લા પ્રમુખો, રાજ્યના પદાધિકારીઓ તેમ જ જિલ્લા ઈન-ચાર્જ, સંસદસભ્યો, વિધાનસભ્યો અને સંલગ્ન સંગઠનોના અધ્યક્ષોની એક સંયુક્ત બેઠકનું આયટોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાંથી મળેલી માહિતીની સમીક્ષા કરીને આગામી વ્યૂહ રચના ઘડી કાઢવામાં આવશે એમ કૉંગ્રેસના સૂત્રોએ કહ્યું હતું. (પીટીઆઈ)