દારૂ માટે શાકભાજીવાળાનીદીકરીની હત્યા: પાંચની ધરપકડ

થાણે: દારૂ પીવા માટે રૂપિયા આપવાનો ઇનકાર કરનારા શાકભાજીવાળા સાથે વિવાદ કર્યા પછી લાકડાથી ફટકારી તેની પુત્રીની કથિત હત્યા કરવાના કેસમાં પોલીસે મંગળવારે પાંચ આરોપીની ધરપકડ કરી હતી.
એમએફસી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના સોમવારની રાતે કલ્યાણના ઈન્દિરા નગર ખાતે બની હતી. કેસના મુખ્ય આરોપી ગુલામ સુભાની શેખ ઉર્ફે મુન્ના (45)એ નજીકમાં જ રહેતા શાકભાજી વિક્રેતા નિસાર સૈયદ નાઝીર સૈયદ (40) પાસેથી દારૂ માટે રૂપિયા માગ્યા હતા. જોકે સૈયદે રૂપિયા આપવાનો ઇનકાર કરતાં બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
મામલો થાળે પડ્યાના થોડા સમય બાદ મુન્નાનો પુત્ર અબ્દુલ રહેમાન ગુલામ સુભાની શેખ તેના સાથી શોએબ રહેમાન શેખ, અઝીઝ ઈબ્રાહિમ શેખ અને શાહીદ યુસુફ શેખ સાથે સૈયદના ઘરમાં ઘૂસ્યો હતો. જમવા બેસેલા સૈયદ સાથે અબ્દુલે ઝઘડો કર્યો હતો. પિતા સાથેની ઉગ્ર બોલાચાલી બદલ અબ્દુલ અને તેના સાથીઓએ સૈયદની મારપીટ શરૂ કરી હતી.
એફઆઈઆર અનુસાર સૈયદને બચાવવા પત્ની અને પુત્રીએ મધ્યસ્થી કરી હતી. ગુસ્સે ભરાયેલા ટોળાએ સૈયદની પુત્રી નરામે સાનિયા મોઈન બાગવાન (19)ને લાકડાથી ફટકારી હતી. વારંવાર લાકડું ફટકારવાને કારણે માથામાં ગંભીર ઇજા સાથે યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો બનાવટી નકશાને આધારે અનધિકૃત રીતે બાંધેલા બંગલા પર સુધરાઈનો હથોડો…
દરમિયાન બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી પાંચેય આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)