સાયબર સેલને નામે બનાવટી ઈ-મેઈલ આઈડીબનાવી બૅન્કોને ખાતાં ફ્રીઝ કરવાની સૂચના

થાણે: નવી મુંબઈ પોલીસના સાયબર સેલને નામે બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવીને અનેક બૅન્કોને અમુક ચોક્કસ ખાતાં ફ્રીઝ કરવાની સૂચના આપવામાં આવી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ તાજેતરમાં એક બૅન્કે સાયબર સેલનો સંપર્ક સાધતાં આ ઠગાઈની પ્રવૃત્તિ સામે આવી હતી. બૅન્કને આવેલા મેઈલની ખરાઈ તપસવા માટે અધિકારીએ સાયબર સેલનો સંપર્ક સાધ્યો હતો.
ચકાસણી દરમિયાન એ મેઈલ સાયબર સેલ દ્વારા ન મોકલાયો હોવાનું જણાયું હતું. આવા પ્રકારના મેઈલ અનેક બૅન્કોને મોકલવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો બનાવટી નકશાને આધારે અનધિકૃત રીતે બાંધેલા બંગલા પર સુધરાઈનો હથોડો…
આરોપીએ ધ્યાનપૂર્વક બનાવટી ઈ-મેઈલ આઈડી બનાવ્યો હતો અને અનેક બૅન્કોને ગેરમાર્ગે દોરવા તેનો ઉપયોગ કર્યો હતો. સાયબર સેલ દ્વારા જણાવાયેલાં બૅન્ક ખાતાં તાત્કાલિક ફ્રીઝ કરવાની સૂચના મેઈલમાં હતી.
આ પ્રકરણે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(1), 336 અને અન્ય સુસંગત કલમો તેમ જ ઇન્ફર્મેશન ટેક્નોલૉજી (આઈટી) ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે આરોપીને ટ્રેસ કરવાની દિશામાં તપાસ હાથ ધરી હતી.
(પીટીઆઈ)