બૅન્ક લૉકરમાંથી કાઢેલા 35 લાખના દાગીના સમાન કલરના બીજા જ સ્કૂટરમાં મૂકી દીધા!

વસઈમાં બનેલી અજબ ઘટનામાં બાજુમાં જ પાર્ક બીજા સ્કૂટરનો કલર સરખો હોવાથી મહિલાથી ભૂલ થઈ, પણ પોલીસે બે કલાકમાં દાગીના પાછા શોધી આપ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈમાં બનેલી અજબ ઘટનામાં બૅન્ક લૉકરમાંથી કાઢેલા 35 લાખ રૂપિયાના સોનાના દાગીના મહિલાએ પોતાના સ્કૂટરને બદલે સમાન કલરના બીજા જ સ્કૂટરની ડિકીમાં મૂકી દીધા હતા. ગુમ દાગીનાની ફરિયાદ મળતાં જ પોલીસે બે કલાકમાં એ સ્કૂટરને શોધી કાઢી દાગીના પરત કર્યા હતા.
વસઈ પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારની સાંજે બની હતી. વસઈના સાદોડાવાડી પરિસરમાં રહેતી મહિલા લિનેટ અલ્મેડા (42)એ રાતે 8 વાગ્યાની આસપાસ સોનાના દાગીના ગુમ થયાની ફરિયાદ પોલીસમાં કરી હતી.ફરિયાદ અનુસાર અલ્મેડા શુક્રવારની સાંજે પાંચ વાગ્યાની આસપાસ ખાનગી બૅન્કની વસઈ શાખામાં ગઈ હતી. બૅન્ક લૉકરમાંથી તેણે સોનાની બિસ્કિટ્સ અને દાગીના કાઢ્યા હતા.
અંદાજે 35 લાખ રૂપિયાના દાગીના તેણે સ્કૂટરની ડિકીમાં મૂક્યા હતા. પછી બજારમાં ખરીદી કરી તે ઘરે પહોંચી હતી. ઘરે પહોંચ્યા પછી સ્કૂટરની ડિકી ખોલતાં તેમાંથી દાગીના ગુમ હોવાનું જણાયું હતું.ફરિયાદ મળતાં વસઈ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર બાળકૃષ્ણ ઘાડીગાંવકરે પોલીસ અધિકારીઓની બે ટીમ બનાવી તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. મહિલાએ જે બૅન્કના લૉકરમાંથી દાગીના કાઢ્યા હતા પોલીસે તે પરિસરના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસ્યાં હતાં.
ફૂટેજ જોતાં પોલીસને ધ્યાનમાં આવ્યું હતું કે મહિલાએ ભૂલથી પોતાના સ્કૂટરને બદલે બીજી મહિલાના સ્કૂટરની ડિકીમાં દાગીના મૂકી દીધા હતા.ફૂટેજને આધારે પોલીસે એ સ્કૂટરનો નંબર પ્રાપ્ત કરી તેની વિગતો મેળવી હતી. આખરે બે કલાકની જહેમત પછી પોલીસ વસઈમાં જ રહેતી સુનીતા ગોન્સાલ્વિસના સ્કૂટર સુધી પહોંચી હતી. અલ્મેડાના સ્કૂટરનો કલર અને ગોન્સાલ્વિસના સ્કૂટરનો કલર સરખો હોવાથી આ ભૂલ થઈ હતી. જોકે એક જ ચાવીથી બન્ને સ્કૂટરની ડિકી કઈ રીતે ખૂલી તેની તપાસ પોલીસ કરી રહી છે. ગોન્સાલ્વિસના સ્કૂટરમાંથી મળેલા દાગીના અલ્મેડાને પાછા સોંપવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.



