વસઇ-વિરારમાં ગેરકાયદે બાંધકામો:આઇએએસ ઓફિસર, સહ-આરોપીઓએ ઉચ્ચ મૂલ્યની છેતરપિંડી આચરી

મુંબઈ: વસઇ-વિરાર મહાપાલિકાની હદમાં ‘મોટા પાયે’ ગેરકાયદે બાંધકામો સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા પાલિકાના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર સહિત ચાર જણે ઉચ્ચ મૂલ્યની છેતરપિંડી આચરવા માટે પ્રશાસકીય સત્તા તેમ જ નાણાકીય પ્રણાલીનો ઇરાદાપૂર્વક દુરુપયોગ કર્યો હોવાનું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે (ઇડી) વિશેષ કોર્ટને જણાવ્યું હતું.
ગુનાની પ્રાપ્તિઓનું લોન્ડરિંગ કરવા માટે ‘હવાલા અને આંગડિયા’ ચેનલોનો મહારાષ્ટ્રમાં નહીં, પણ અન્ય રાજ્યોમાં પણ ઉપયોગ કર્યો હતો, એમ ઇડીએ કહ્યું હતું.
13 ઑગસ્ટે ઇડીએ આઇએએસ ઓફિસર અનિલ પવાર સહિત વસઇ-વિરાર પાલિકાના ટાઉન પ્લાનર વાય. શિવા રેડ્ડી અને બે બિલ્ડર સીતારામ ગુપ્તા તથા અરુણ ગુપ્તાની ધરપકડ કરી હતી. ચારેયની કસ્ટડી બુધવારે પૂરી થતી હોવાથી તેમને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ કેસની સુનાવણી કરતા વિશેષ જજ રાજુ રોટે સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને 14 દિવસની જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
આપણ વાંચો: ગેરકાયદે બાંધકામો તોડનાર અધિકારીઓની બદલી કેમ? પાલિકાના એન્જિનિયરો ભડક્યા
આ અધિકારીઓ, આર્કિટેક્ટો, બિલ્ડરો અને લાયેઝન કરનારાઓની સુસંગઠિત કાર્ટેલ દ્વારા અત્યાધુનિક પદ્ધતિથી કરાયેલી છેતરપિંડી છે. તેમને કારણે સરકારી તિજોરીને મોટું નુકસાન થવા સાથે લોકોની સેવા અને સહાય માટે સ્થાપિત પ્રશાસન તથા જાહેર જનતાની અખંડતાને ઘસરકો પણ પહોંચ્યો છે. આરોપીઓ તપાસ અવરોધવા, ડિજિટલ અને મુખ્ય દસ્તાવેજી પુરાવાઓ સાથે ચેડાં કરવા તથા મુખ્ય સાક્ષીદારોને પ્રભાવિત કરવાનાં માધ્યમો અને હેતુ ધરાવે છે. આરોપીઓએ કેટલી છેતરપિંડી અને કેટલું મની લોન્ડરિંગ કર્યું તેનું ચોક્કસ પ્રમાણ હજુ તપાસવાનું બાકી છે, એમ ઇડીએ કોર્ટને કહ્યું હતું.
હમણાં સુધીની તપાસમાં ગુનાની પ્રાપ્તિઓ છુપાવવા અને અન્યત્ર વાળવા માટે સુસંગઠિત યંત્રણા ઊભી કરાઇ હોવાનું જણાયું છે. મની લોન્ડરિંગનો રેલો મહારાષ્ટ્ર સાથે આંતરરાજ્ય તથા સીમાપાર પણ જોવા મળ્યો છે. ગુનામાંથી ઊભી કરાયેલી રોકડ ફરી આરોપીઓના સંબંધીઓનાં ખાતાંઓમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો અને કાયદેસર સ્રોતમાંથી આવક હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આરોપીઓને જો જામીન મળે તો તેઓ બહાર આવીને સાક્ષીદારોને પ્રભાવિત કરી શકે, પ્રણાલી સાથે ચેડાં કરી શકે અને મની લોન્ડરિંગ થકી પ્રાપ્ત મિલકતોનો નિકાલ કરી શકે છે. આથી તેમને અદાલતી કસ્ટડી આપવી જોઇએ, એમ માગણી ઇડીએ કરી હતી.
આપણ વાંચો: કલ્યાણ-ડોંબિવલીમાં સરકારી જમીન ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો હોવાનો રિપોર્ટ
આ કેસ વસઇ-વિરાર પાલિકાની હદમાં સરકારી અને ખાનગી જમીન પર નિવાસી કમ વ્યાવસાયિક ઇમારતો અનધિકૃત રીતે નિર્માણ કરવા સંબંધી છે. તપાસમાં જણાયું છે કે સમયાંતરે આરોપીઓએ યોજનાબદ્ધ રીતે 41 ગેરકાયદે ઇમારતો ઊભી કરી હતી. વસઇ-વિરારના મંજૂર ડેવલપમેન્ટ પ્લાન અનુસાર સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ડમ્પિંગ ગ્રાઉન્ડ માટે અનામત સરકારી અને ખાનગી જમીન પર ગેરકાયદે ઇમારતો બાંધવામાં આવી હતી. (પીટીઆઇ)