વસઈમાં પેટ્રોલ પમ્પ માલિકની હત્યા કરી લૂંટ: ડ્રાઈવર સહિત બેની ધરપકડ
નેપાળમાં હીરાજડિત વીંટી અને કીમતી ઘડિયાળના ખરીદદાર ન મળતાં યુપી પાછા ફરેલા બન્ને આરોપી પોલીસને હાથ લાગ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઉલ્હાસનગરના પેટ્રોલ પમ્પના માલિકનું કથિત અપહરણ કરી વસઈ નજીક હત્યા બાદ લૂંટ ચલાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ડ્રાઈવર સહિત બે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી નેપાળ ફરાર થવામાં સફળ રહ્યા હતા, પરંતુ મૃતક પાસેથી લૂંટેલી હીરાજડિત વીંટી અને કીમતી ઘડિયાળનું કોઈ ખરીદદાર ન મળતાં ઉત્તર પ્રદેશ પાછા ફરેલા બન્ને આરોપી પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા.
મીરા-ભાયંદર વસઈ-વિરાર પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-2 અને સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી પકડી પાડેલા આરોપીઓની ઓળખ મૂકેશ ગોવર્ધનદાસ ખૂબચંદાની અને અનિલ રાજકુમાર ઉર્ફે નેપાળી મલ્લાહ ઉર્ફે સહાની ઉર્ફે થાપા તરીકે થઈ હતી. તેમનો સાથી રામલાલ જૈનક યાદવ ફરાર હોવાથી પોલીસ તેની શોધ ચલાવી રહી છે. આરોપીઓ પાસેથી હીરાજડિત વીંટી, કીમતી ઘડિયાળ અને રોકડ રકમ હસ્તગત કરવામાં આવી હતી.
વસઈ નજીકના નાગલે ગાવની હદમાંથી 25 ઑગસ્ટે પેટ્રોલ પમ્પના માલિક રામચંદ્ર ગુરુમુખદાસ કાકરાણીનો મૃતદેહ તેમની કારમાંથી મળી આવ્યો હતો. ઘટનાસ્થળ નજીકથી પોલીસને કાકરાણીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીઓની ઓળખ મેળવી હતી. આ હત્યામાં કાકરાણીનો ડ્રાઈવર મૂકેશ અને તેના બે સાથી અનિલ અને રામલાલની સંડોવણી હોવાનું જણાતાં પોલીસે તેમની શોધ હાથ ધરી હતી.
ગુનો આચર્યા પછી આરોપી નેપાળ ભાગી જવાની તૈયારીમાં હોવાની માહિતી મળતાં પોલીસની ટીમ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગર પહોંચી હતી. પોલીસ પહોંચે તે પહેલાં મૂકેશ અને અનિલ નેપાળના લૂંબીની શહેર રવાના થઈ ગયા હતા. જોકે નેપાળમાં વીંટી અને કીમતી ઘડિયાળના યોગ્ય ખરીદદાર ન મળતાં બન્ને આરોપી યુપીના ગોરખપુર પાછા આવી રહ્યા હોવાની માહિતી મળતાં પોલીસે સ્થાનિક પોલીસની મદદથી છટકું ગોઠવ્યું હતું.
આ પણ વાંચો : મુંબઈની લોકલ ટ્રેનમાં ધમાલ, ચપ્પલથી માર્યો પ્રવાસીને, વીડિયો વાઈરલ
પકડાયેલા બન્ને આરોપીની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ડ્રાઈવર મૂકેશે અગાઉ ઉલ્હાસનગરમાં રહેતા કાકરાણીની હત્યા ત્યાં જ કરીને લૂંટ ચલાવવાની યોજના બનાવી હતી, પરંતુ કોઈ કારણવશ તેમાં સફળતા મળી નહોતી. ઘટનાને દિવસે તે કાકરાણી સાથે પેટ્રોલ પમ્પની રકમ લેવા વિરાર આવ્યો હતો. પાછા ફરતી વખતે બન્ને સાથીને ભિવંડીના પારોળે ગામ નજીક ઊભા રહેવાની સૂચના મૂકેશે આપી હતી. કાર ભિવંડી પહોંચી ત્યારે મૂકેશે બન્ને સાથીને કાકરાણીના વિરોધ છતાં કારમાં બેસાડ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઉલ્હાસનગર જવાને બદલે આરોપીએ કાર ફરી વસઈની દિશામાં વાળી હતી અને કારમાં જ રૂમાલથી કાકરાણીનું ગળું દબાવ્યું હતું. ગળું દબાવ્યા છતાં શ્ર્વાસ ચાલતા હોવાનું જોઈ આરોપીઓ કાર વસઈના નાગલે ગાવ સુધી લઈ આવ્યા હતા. આખરે કાકરાણી મૃત્યુ પામ્યો હોવાની ખાતરી થતાં આરોપી 1.48 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયાની હીરાજડિત વીંટી અને કીમતી ઘડિયાળ લૂંટી ફરાર થઈ ગયા હતા.
નાગલે ગાવથી મુંબઈ-અમદાવાદ હાઈવે પર ચાલતા વસઈ ફાટા પાસેની એક હોટેલ નજીક આરોપી પહોંચ્યા હતા. ત્યાંથી રિક્ષામાં બેસી વિરાર ફાટા ગયા હતા, જ્યાંથી ગુજરાત જતી લક્ઝરી બસમાં બેસી તલાસરીની અપોલો હોટેલ પાસે ઊતર્યા હતા. પછી બીજા વાહનમાં ગુજરાતની દિશામાં રવાના થયા હોવાનું પોલીસને સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડ્યું હતું.