ઑનલાઈન ગેમ રમવા સાવકી માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા...

ઑનલાઈન ગેમ રમવા સાવકી માતાની હત્યા કરી સોનાના દાગીના ચોર્યા…

પુત્રને બચાવવા પિતાએ લોહીના ડાઘ લૂંછ્યા: ડૉક્ટર પાસેથી ડેથ સર્ટિફિકેટ મેળવી પત્નીના શબને દાટી દીધું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વસઈમાં બનેલી આંચકાજનક ઘટનામાં ઑનલાઈન ગેમ રમવા માટે રૂપિયાની જરૂર હોવાથી યુવાને સાવકી માતાની હત્યા કરી ઘરમાંથી સોનાના દાગીના ચોર્યા હતા. પુત્રને કાનૂની કાર્યવાહીથી બચાવવા પિતાએ લોહીના ડાઘ લૂંછી ડૉક્ટર પાસેથી ખોટું ડેથ સર્ટિફિકેટ મેળવીને પત્નીના શબને કબ્રસ્તાનમાં દાટી દીધું હતું. પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી ડૉક્ટરને તાબામાં લીધો હતો.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના શનિવારની સવારે વસઈના ગોખિવરેમાં ભાટપાડા ખાતે બની હતી. બૉમ્બે હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરતી આર્શિયા ખુસરુ (61)ની દીવાલ સાથે માથું પટકીને અને લાત મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણે વસઈ પોલીસે સોમવારે આર્શિયાના સાવકા પુત્ર મોહમ્મદ ઈમરાન ખુસરુ (32) અને તેના પિતા મોહમ્મદ અમીર ખુસરુ (65)ની ધરપકડ કરી હતી.

વસઈમાં રહેતી આર્શિયાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હોવાથી તેના શબને વસઈના કબ્રસ્તાનમાં દાટવામાં આવ્યું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-બેના અધિકારીને મળી હતી. માહિતીને આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં અમીરે પોલીસને જણાવ્યું હતું કે આર્શિયા તેની બીજી પત્ની હતી. પગ લપસવાને કારણે જમીન પર પટકાવાથી આર્શિયાએ જીવ ગુમાવ્યો હતો અને સગાંસંબંધીઓની હાજરીમાં તેની અંતિમ ક્રિયા પાર પાડવામાં આવી હતી.

જોકે પોલીસે બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં અમીરનો પુત્ર ઈમરાન ઘટનાની સવારે બેબાકળો થઈ ઘરમાંથી વારંવાર અંદર-બહાર કરતો હોવાનું દેખાયું હતું. શંકાને આધારે તાબામાં લઈ પોલીસે આકરી પૂછપરછ કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી.

ટુર્સ ઍન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા ઈમરાનને ઑનલાઈન ગેમ રમવાની લત હતી. ગેમ રમવા તેને 1.80 લાખ રૂપિયાની જરૂર હતી. આ માટે તેણે સાવકી માતા આર્શિયા પાસે નાણાં માગ્યાં હતાં. આર્શિયાએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં ગુસ્સામાં ઈમરાને તેની હત્યા કરી હતી. બાદમાં બેડરૂમના કબાટમાંથી સોનાની બે બંગડી અને એક ચેઈન ચોરી ત્યાંથી રવાના થઈ ગયો હતો.

આ બાબતની જાણ ઈમરાનના પિતા અમીરને હતી. તેણે ઘરમાંથી લોહીના ડાઘ લૂંછી નાખ્યા હતા અને નજીકના ડૉક્ટર પાસેથી ડેથ સર્ટિફિકેટ મેળવ્યું હતું. આ કામમાં અમીરના ભાઈએ મદદ કરી હતી. પરિણામે પોલીસે અમીરના ભાઈ અને ડૉક્ટરને તાબામાં લઈ તેમની પણ પૂછપરછ હાથ ધરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button