Vasai Murder Case: ગર્લફ્રેન્ડની હત્યા કરવા પહેલાં આરોપીએ બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વસઈમાં ભરરસ્તે લોખંડનું પાનું ફટકારી ગર્લફ્રેન્ડની કરપીણ હત્યા કરવાના કેસમાં પકડાયેલા આરોપીએ ગર્લફ્રેન્ડના બીજા યુવક સાથેના અફૅરની શંકાને પગલે બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આ માહિતીની ખાતરી કરી રહી છે.
નાલાસોપારામાં રહેતી આરતી યાદવ (22) પર મંગળવારની સવારે 8.30 વાગ્યાની આસપાસ આરોપી રોહિત યાદવે (32) હુમલો કર્યો હતો. કામે જઈ રહેલી આરતીના માથા પર પાનાથી 18 ઘા કરવામાં આવ્યા હતા. હુમલો કરતી વખતે આરોપી ‘ક્યૂં કિયા ઐસા મેરે સાથ’ બોલી રહ્યો હતો. હત્યા પછી તે ફરાર થવાને બદલે ઘટનાસ્થળે જ બેસી રહ્યો હતો.
આ પણ વાંચો: Vasai Murder: એકબીજાને પ્રેમ કરતા પ્રેમીઓ કેમ જીવ લેવા જેટલા ઘાતકી બની જાય છે
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જયરામ રણવરેએ જણાવ્યું હતું કે ધરપકડ પછી આરોપી રોહિતને બુધવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે 24 જૂન સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હોવાથી તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આરતીનું બીજા યુવક સાથે અફૅર હોવાની જાણ થતાં રોહિત હતાશ થઈ ગયો હતો. તેણે બે વાર જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ વાતની ખાતરી કરવા આરોપી અને તેની નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવશે, એમ અધિકારીનું કહેવું છે.
આ પણ વાંચો: શૅર ટ્રેડિંગ ફ્રોડમાં કલ્યાણના રહેવાસીએ 94 લાખ રૂપિયા ગુમાવ્યા
દરમિયાન આ કેસમાં પોલીસની ભૂમિકા સામે સવાલ ઊભા થયા હતા. આરતીની બહેને આક્ષેપ કર્યો હતો કે ઘટનાના દસેક દિવસ અગાઉ આરતીએ રોહિત વિરુદ્ધ નાલાસોપારાના આચોલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તે સમયે યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આરતીનો જીવ બચી ગયો હોત.
આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રોહિતે ધમકી આપી હોવાની અને મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાની ફરિયાદ આરતીએ 8 જૂને કરી હતી. જોકે તેણે રોહિત સામે આકરાં પગલાં ન લેવાની વિનંતી પણ કરી હતી. પરિણામે તે સમયે પોલીસે બિનદખલપાત્ર (એનસી) ગુનો નોંધ્યો હતો અને રોહિતને સમજાવી છોડી મૂક્યો હતો.
પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સોમવારની રાતે રોહિતે આરતીને કૉલ કર્યો હતો. પછી ભૂલથી ફોન લાગ્યો હોવાનું જણાવી આ અંગે પોલીસ ફરિયાદ ન કરવાનું પણ રોહિતે કહ્યું હતું.