વસઈમાં ગૅસ સિલિન્ડર ફટકારી યુવાનની હત્યા: હોટેલમાલિક સહિત બે પકડાયા | મુંબઈ સમાચાર

વસઈમાં ગૅસ સિલિન્ડર ફટકારી યુવાનની હત્યા: હોટેલમાલિક સહિત બે પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
આર્થિક વ્યવહારમાં થયેલા વિવાદને પગલે હોટેલમાં ગૅસ સિલિન્ડર ફટકારી યુવાનની હત્યા કરવામાં આવી હોવાની વસઈમાં બનેલી ઘટનામાં પોલીસે ગુરુવારે હોટેલમાલિક સહિત બે જણને પકડી પાડ્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ હસીમ ઈન્સાનઅલી શાહ (30) અને રઈસ ઉર્ફે લોંધે મન્નુ શેખ (45) તરીકે થઈ હતી. વધુ કાર્યવાહી માટે બન્ને આરોપીને નાયગાંવ પોલીસ સ્ટેશનના તાબામાં સોંપાયા હતા.

વસઈના કામણ ખાતે સાગપાડા વિસ્તારમાં આવેલી વારસી હોટેલમાં રવિવારની બપોરે સંજય પ્રજાપતિ (35)ની હત્યા કરવામાં આવી હતી. આર્થિક વિવાદમાં શેખે માથા પર ગૅસ સિલિન્ડર ફટકારી પ્રજાપતિની હત્યા કરી હોવાની ફરિયાદ નાયગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

આ પણ વાંચો: ભાયંદરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મિત્રની હત્યા: યુવાન ફરાર

ફરાર આરોપીની શોધ માટે પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. દરમિયાન મોં પર રૂમાલ બાંધીને ચંપલ પહેર્યા વિના એક શખસ વસઈ રેલવે સ્ટેશનની દિશામાં સંતાતો જઈ રહ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. શંકાને આધારે પોલીસે શેખને તાબામાં લીધો હતો.

પૂછપરછમાં શેખે જણાવ્યું હતું કે ઉછીના લીધેલાં નાણાંને મુદ્દે વિવાદ થયો હતો. શેખે હોટેલમાલિક શાહ સાથે મળી પ્રજાપતિની હત્યાની કબૂલાત કરી હતી. પરિણામે પોલીસે હોટેલમાલિકની પણ ધરપકડ કરી હતી.

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »
Back to top button