વસઈ ક્લોરિન ગેસ લીકેજ: મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી

મુંબઈઃ વસઈમાં થયેલા ક્લોરિન ગેસ સિલિન્ડર લીકેજના મામલે મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી છે. આ દુર્ઘટનામાં ૧૯ લોકો પ્રભાવિત થયા હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. ૧૫ વર્ષ જૂના સિલિન્ડર કઈ કંપનીના છે તેનો રેકોર્ડ નગરપાલિકા પાસે નથી, પરંતુ તે કંપનીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
વસઈ વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગ પાસે પાણી શુદ્ધિકરણ માટે ક્લોરિન ગેસ ધરાવતા ગેસ સિલિન્ડર હતા. આ સિલિન્ડર છેલ્લા ૧૫ વર્ષથી પડેલા હતા. ૨૫ નવેમ્બરના રોજ દિવાનમાન ખાતે પાણીની ટાંકી પાસે રાખેલા સિલિન્ડરમાંથી ઝેરી ક્લોરિન ગેસ લીક થયો. આ લીકેજથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ, પાણી પુરવઠા કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા ૧૯ લોકો પ્રભાવિત થયા. તેમાંથી એકનું મોત નીપજ્યું.
આ પણ વાંચો: પાલઘરમાં ફાર્મા કંપનીમાં નાઇટ્રોજન ગેસ લીકેજ…
રસપ્રદ વાત એ છે કે ૧૫ વર્ષથી ત્યાં સિલિન્ડર હોવાની જાણ નગરપાલિકાને નહોતી. મ્યુનિસિપલ કમિશનર મનોજ કુમાર સૂર્યવંશીએ સમગ્ર મામલાની તપાસ માટે એક તપાસ સમિતિની નિમણૂક કરી છે. આ ઘટના કેવી રીતે બની? આ અકસ્માત માટે કોણ જવાબદાર છે? તેની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, રિપોર્ટ આવ્યા બાદ તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે, એમ મ્યુનિસિપલ કમિશનર મનોજ કુમાર સૂર્યવંશીએ જણાવ્યું હતું.



