કૉંગ્રેસ તરફથી ઉત્તર મધ્ય મુંબઈ બેઠક પર વર્ષા ગાયકવાડ ઉમેદવારી
મુંબઈ: ઉદ્ધવ જૂથ અને શરદ પવાર જૂથ દ્વારા ગુરુવારે ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો ત્યારે કૉંગ્રેસ દ્વારા ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક માટેના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠક માટે મુંબઈ કૉંગ્રેસના અધ્યક્ષ વર્ષા ગાયકવાડને ઉમેદવારી સોંપી છે. ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા આ વર્ષા ગાયકવાડની ઉમેદવારી જાહેર કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીમાં કૉંગ્રેસના ભાગે મુંબઈની બે બેઠક આવી છે, જેમાંથી એક ઉત્તર-મધ્ય મુંબઈની છે. જ્યારે મુંબઈની બાકીની બે બેઠકો પરથી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના ઉમેદવારો ચૂંટણી લડશે.
મુંબઈમાં 20મી મેના રોજ મતદાન યોજાનારું છે ત્યારે હજી મુંબઈની તમામ બેઠકો પરથી મહાવિકાસ આઘાડી અને મહાયુતિએ ઉમેદવારોની જાહેરાત કરી નથી. હાલ ઉત્તર-મધ્ય મુંબઈ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના પૂનમ મહાજન સાંસદ છે.
ઉલ્લેખનીય છે કે વર્ષા ગાયકવાડ ભૂતપૂર્વ પ્રધાન પણ રહી ચૂક્યા છે અને તે ધારાવી વિધાનસભા બેઠક પરથી ચાર વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
આ પહેલા વર્ષા ગાયકવાડની ઇચ્છા દક્ષિણ-મધ્ય મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડવાની હતી. દક્ષિણ-મધ્ય મુંબઈ ખાતેથી વર્ષા ગાયકવાડના પિતા સ્વર્ગીય એકનાથ ગાયકવાડ સાંસદ રહી ચૂક્યા હતા અને તેથી જ પોતાના પિતા જે બેઠક પરથી સાંસદ બન્યા તે બેઠક પરથી લડવાની તેમની ઇચ્છા હતી. જોકે, બેઠકોની વહેંચણી દરમિયાન તેમના ફાળે ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક આવતા હવે તે આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે.