ભિવંડીમાં ગણેશ મૂર્તિ વેચતી વર્કશૉપમાં તોડફોડ…

થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં અજાણ્યા શખસ દ્વારા ગણેશ મૂર્તિઓને કથિત રીતે નુકસાન પહોંચાડી વર્કશૉપમાંથી સાધનો ચોરવામાં આવ્યાં હોવાની ઘટના બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના ભિવંડીના પદ્મા નગર વિસ્તારમાં ગુરુવારની મોડી રાતે બની હતી. અજાણ્યા શખસે ગણેશ મૂર્તિના કારખાનામાં કથિત રીતે તોડફોડ કરી ગણપતિ બાપ્પાની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યું હતું. કારખાનામાંથી પેઈન્ટિંગ કરવાનાં સાધનો પણ ચોરાયાં હોવાનું કહેવાય છે. તોડફોડની ઘટના શુક્રવારે પ્રકાશમાં આવી હતી.
ભગવાનની મૂર્તિઓને નુકસાન પહોંચાડ્યાની વાત ફેલાતાં રોષે ભરાયેલા લોકો વર્કશૉપ નજીક એકઠા થયા હતા અને દોષી સામે કાર્યવાહીની માગણી કરી હતી. ઘટનાને પગલે સંબંધિત વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઉશ્કેરાયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ઘટનાસ્થળે પરિસ્થિતિ તંગદિલીભરી હોવા છતાં કાબૂમાં છે. આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 298, 324(2)(3)(4) અને 303 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવ્યો હતો. (પીટીઆઈ)