આમચી મુંબઈમહારાષ્ટ્ર

ઉદ્ધવ ઠાકરેએ સમય સાધ્યો: નાર્વેકરની શિંદે સેનાના નેતા સાથે મુલાકાત…

બદલાપુર: બદલાપુરના શિવસેના શિંદે જૂથના શહેર પ્રમુખ વામન મ્હાત્રે શિવસેના (યુબીટી)ના જૂથ સચિવ અને ઉદ્ધવ ઠાકરેના અંગત સહાયક વિધાનસભ્ય મિલિંદ નાર્વેકરને મળ્યા હતા. વામન મ્હાત્રેએ પોતે આ મીટિંગની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી છે. આથી ઠાકરેએ પરફેક્ટ ટાઈમિંગ સાધ્યું હોવાની ચર્ચા વ્યાપક બની છે.

આ પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે જૂથ અને ભાજપ વચ્ચે છેડાયું ‘હિંદુત્વ’નું યુદ્ધ, આ રીતે કર્યા એકબીજા પર પ્રહાર

વામન મ્હાત્રેએ પોસ્ટમાં કહ્યું છે કે ‘દર વર્ષની જેમ હું દિવાળીના અવસરે નાર્વેકરને મળ્યો હતો અને તેમને શુભેચ્છા આપી હતી, આ મીટિંગમાં જૂની યાદો તાજી થઈ હતી અને રાજકીય બાબતો પર પણ ચર્ચા થઈ હતી. આ મુલાકાતના કારણે બદલાપુર શહેરમાં ચર્ચાઓ જાગી છે. કારણ કે મુરબાડ મતવિસ્તારમાં, જેમાં બદલાપુર શહેરનો સમાવેશ થાય છે, ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવાર કિસન કથોરે અને વામન મ્હાત્રે વચ્ચે સંબંધો વણસ્યા છે અને તેથી મ્હાત્રેએ આ વર્ષે અસહકારની હાકલ કરી છે.

મ્હાત્રેના સુભાષ પવાર સાથે મૈત્રીપૂર્ણ સંબંધો છે, જે અગાઉ શિંદેની સેનામાં હતા અને હાલમાં મહાવિકાસ અઘાડીના ઉમેદવાર છે. આથી બદલાપુરમાં એવી ચર્ચા છે કે વામન મ્હાત્રેએ આડકતરી રીતે આ પોસ્ટ દ્વારા ચોક્કસ ટાઈમિંગ સાધીને કેટલાક સંકેતો આપ્યા હતા.

દરમિયાન, વામન મ્હાત્રે અને સુભાષ પવાર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મળ્યા હતા અને શિવસેનાને મહાયુતિમાં મુરબાડ મતવિસ્તાર મળે તેવી માંગ કરી હતી. પરંતુ મહાયુતિએ ભાજપના કિસન કાથોરેને બીજી વખત ઉમેદવારી આપતાં નારાજ મ્હાત્રે બળવાની સ્થિતિમાં આવી ગયા હતા. પણ તેઓએ બળવો કર્યો નથી.

આ પણ વાંચો : એમવીએની છઠ્ઠી નવેમ્બરે મુંબઈમાં રેલીઃ ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

બીજી તરફ, સુભાષ પવારે પક્ષ બદલ્યો અને એનસીપી (એસપી) જૂથમાંથી ઉમેદવારી મેળવી હતી. આથી હવે મ્હાત્રે બદલાપુરમાં મહાવિકાસ આઘાડીના સુભાષ પવારને આડકતરી રીતે મદદ કરે તેવી શક્યતાઓ છે અને આગામી ચૂંટણીમાં મ્હાત્રેની આ મુલાકાતને કારણે નવાજૂની થવાની શકયતા નકારી શકાય નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button