પાલઘરની કૉલેજમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી ચોરનારી વલસાડની ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘરની કૉલેજના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાંથી વિદ્યાર્થીઓએ ભરેલી ફી 11.25 લાખ રૂપિયા ચોરનારી ગુજરાતના વલસાડ જિલ્લાની ટોળકીને પોલીસે પકડી પાડી હતી.
પાલઘર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડેલા આરોપીઓની ઓળખ શુભમ વીરેન્દ્ર સિંહ (21), મુરલી મનોહર પવાર (23), અરુણ લખન ચવ્હાણ (19) અને ફારુખ ફિરોઝ ખાન તરીકે થઈ હતી. ચારેય આરોપી વલસાડ જિલ્લાના ઉમરગામના રહેવાસી હોવાનું પોલીસનું કહેવું છે.
આ પણ વાંચો: ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકી પકડાઈ…
પાલઘર નજીકના બોઈસર રોડ પર આવેલી દાંડેકર કૉલેજમાંથી 23 જુલાઈની મધરાતે રોકડ ચોરાઈ હતી. અજાણ્યા શખસોએ કૉલેજના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની તિજોરી તોડી 11.25 લાખ રૂપિયા ચોર્યા હતા. બીજી સવારે ચોરીની જાણ થતાં પાલઘર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જેની સમાંતર તપાસ ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રદીપ પાટીલને ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરી આરોપીઓની ઓળખ મેળવી હતી. ઉમરગામથી પકડાયેલા ચારેય આરોપીને કોર્ટે બે દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. તેમની પાસેથી ચોરેલી રકમમાંથી ચાર લાખ રૂપિયા હસ્તગત કરાયા હતા. આરોપીઓ વિરુદ્ધ ગુજરાતમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.