ચાદર વેચનારા વલસાડના પરિવારને ગામજનો બાળકો ચોરનારા સમજ્યા

સદ્નસીબે ગામના લોકોએ ફટકાર્યા નહીં, પણ બાળકીઓના ફોટા પાડવા બદલ કાર્યવાહી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાલઘર જિલ્લાના દાંડી ગામમાં ચાદર વેચવા આવેલા ગુજરાતના વલસાડ જિલ્લામાં રહેતા પરિવારને ગામજનો બાળકો ચોરનારી ટોળકી સમજી બેઠા હતા. સદ્નસીબે ગામના લોકોએ આ પરિવારની ધુલાઈ કરી નહોતી, પરંતુ મોબાઈલ ફોનથી બાળકીઓના ફોટા પાડવા બદલ પોલીસે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
સાતપાડી પોલીસના જણાવ્યા મુજબ સુનીલ સંજય સલાટ પત્ની ચંદા અને બે ભાઈ સાથે શુક્રવારે પાલઘર જિલ્લામાં ચાદર વેચવા આવ્યો હતો. સવારે 10 વાગ્યાની આસપાસ બે સગીરા દાંડી બસ સ્ટોપ પર બસની રાહ જોતી બેઠી હતી ત્યારે આ પરિવાર તેમની નજીક ગયો હતો. બન્ને સગીરાને તેમના રહેઠાણ અને ક્યાં જઈ રહી હોવાનું આ પરિવારે પૂછ્યું હતું અને પછી મોબાઈલ ફોનથી તેમની તસવીરો પાડી હતી.
આ પણ વાંચો : પાલઘર પોલીસનો ગુના ઉકેલનો દર 89 ટકા
ડરી ગયેલી સગીરાએ બૂમાબૂમ કરતાં ગામના રહેવાસીઓ દોડી આવ્યા હતા અને ચારેયને પકડી પાડ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે હાલમાં બાળકો ચોરનારી ટોળકી ફરતી હોવાની અફવા ઠેકઠેકાણે ફેલાઈ રહી હોવાથી ગામવાસીઓ આ પરિવારને બાળકો ચોરનારા સમજી બેઠા હતા.
જોકે સદ્નસીબે રહેવાસીઓએ કોઈની પીટાઈ કરી નહોતી અને ચારેયને ગ્રામપંચાયતની કચેરીમાં લઈ ગયા હતા. આ બાબતે જાણ થતાં સાતપાડી પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછમાં બાળકો ચોરવાને ઇરાદે ન આવ્યા હોવાની ખાતરી થઈ હતી.
આ પણ વાંચો : પાલઘરમાં મહિલા પર બળાત્કાર: કોન્સ્ટેબલની ધરપકડ
આરોપીઓએ બાળકીઓના ફોટા પાડ્યા હોવાની ફરિયાદ એક ગામવાસીએ કરી હતી, જેને પગલે ચારેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી સુનીલ સલાટની ધરપકડ કરી વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું સાતપાટી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ઉદ્ધવ સુર્વેએ જણાવ્યું હતું.



