ઉત્તર પ્રદેશમાં ગાયની કતલ સાથે,સંકળાયેલો આરોપી મુંબ્રામાં ઝડપાયો
થાણે: ઉત્તર પ્રદેશ પોલીસમાં નોંધાયેલા ગાયની કતલ સંબંધી કાયદા હેઠળના ગુનાઓમાં સંડોવાયેલો આરોપી થાણે નજીકના મુંબ્રા ખાતેથી ઝડપાયો હતો. આરોપીના માથે 50 હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરાયું હતું.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના સિનિયર ઈન્સ્પેક્ટર દિલીપ પાટીલે જણાવ્યું હતું કે આરોપી સમીર તુફેલ કુરેશી (25) મુંબ્રામાં સંતાયો હોવાની માહિતી યુપી પોલીસને મળી હતી. બરેલીમાં રહેતા કુરેશીને પકડી પાડવા યુપી પોલીસે થાણે પોલીસની મદદ માગી હતી.
આ પણ વાંચો : ભિવંડીમાં દુકાનમાંથી 300 કિલો ગૌમાંસ જપ્ત
આરોપીની શોધ માટે લખનઊની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)ની ટીમ થાણે આવી હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદથી આરોપીને મુંબ્રાના શિમલા પાર્ક સ્થિત એક દુકાનમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
વધુ કાર્યવાહી માટે આરોપીને યુપી લઈ જવાયો હતો. આરોપી વિરુદ્ધ ગાયની કતલ સંબંધી કાયદા અને આર્મ્સ ઍક્ટ હેઠળના આઠ કેસ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)