ઉત્તન-વિરાર સી-લિંકનું કામ ફાસ્ટ ટ્રેક પર
એમએમઆરડીએની પહેલા તબક્કાને મંજૂરી: વિરાર-પાલઘર વચ્ચેના બીજા તબક્કા સંબંધી અભ્યાસ થઈ રહ્યો છે

મુંબઈ: કોસ્ટલ રોડ એક્સટેન્શન એવા ઉત્તન (ભાયંદર)થી વિરાર વચ્ચેના સી-લિંકના નિર્માણકાર્યનો અમલ ફાસ્ટ ટ્રેક કરવાનો નિર્ણય મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી(એમએમઆરડીએ) દ્વારા લેવાયો છે.
એમએમઆરડીએની શુક્રવારે યોજાયેલી બેઠકમાં ઉત્તન-વિરાર સી લિંકના પહેલા તબક્કાનાં સુધારિત પ્લાનને મંજૂરી આપવામાં આવી હતી. જ્યારે બીજા તબક્કામાં વિરારથી પાલઘર વચ્ચેના કોસ્ટલ રોડ માટે હાલ ફિઝિબિલિટી સ્ટડી ચાલી રહી હોવાથી તેને અમલમાં મૂકવામાં સમય લાગવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ માટે જાપાન ઈન્ટરનેશનલ કૉર્પોરેશન એજન્સી તરફથી ૭૨ ટકા અને ૨૮ ટકા ફંડ મહારાષ્ટ્ર સરકાર અને એમએમઆરડીએનું રહેેશે.

ભાયંદરથી પાલઘર વચ્ચે કોસ્ટલ રોડ બનાવવાની રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. અગાઉ આ પ્રોજેક્ટ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન અમલમાં મુકાવાની હતી પણ ઓક્ટોબર ૨૦૨૨માં તેને એમએમઆરડીએને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફેઝ-ટૂમાં વિરારથી પાલઘર વચ્ચે કોસ્ટલ રોડ બનશે. શુક્રવારે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં એમએમઆરડીએની બેઠક યોજાઈ હતી, જેમાં ઉત્તનથી વિરાર વચ્ચેના સી-લિંકના કામને તાત્કાલિક અમલમાં મૂકવા માટે મંજૂરી આપવામાં આવી હતી. મુંબઈ મહાનગરપાલિકાના ઉત્તર કોસ્ટલ રોડ પ્રોજેક્ટ વર્સોવાથી આગળ દહિસર અને ભાંયદર સુધી જવાનો છે, તેથી એમએમઆરડીએએ હાલ વર્સોવાથી ઉત્તન પટ્ટા વચ્ચેના પટ્ટાને બાકત રાખ્યો છે.

ઉત્તન-વિરાર સી લિંકને કારણે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં એક હાઈ સ્પીડ આઠ લેનનો ઉત્તર-દક્ષિણ કોરિડોર બનશે, જે સીધો દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વેને જોડશે. આ કોરિડોરથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, એસ.વી.રોડ અને લિંક રોડ પર હાલ રહેલા ટ્રાફિકને દબાણને ઘડાટવામાં મદદ મળશે. ફેઝ-વનમાં સી લિંકની કુલ લંબાઈ, જેમાં સી લિંકની સાથે કનેન્ટિંગ રોડ કુલ ૫૫.૧૨ કિલોમીટરનો હશે. ઉત્તનથી વિરાર સી-લિંક ૨૧.૩૫ કિલોમીટરનો, ઉત્તન કનેક્ટિંગ રોડ ૯.૩૨ કિલોમીટર, વસઈ કનેક્ટિંગ રોડ ૨.૫ કિલોમીટરનો અને વિરાર કનેક્ટિંગ રોડ ૧૮.૯૫ કિલોમીટરનો હશે. આ સી-લિંકને કારણે રેસિડેન્શિયલ, કમર્શિયલ અને ઈન્ડ્રસ્ટ્રિયલ ક્ષેત્રમાં પ્રવેશ કરવું સરળ રહેશે. તે લોજિસ્ટિકલ હબને જોડીને અને માલ-સામાન તથા લોકોની અવરજવરને બધુ સક્ષમ બનાવશે.
આ પણ વાંચો…‘અમૃત ભારત’ હેઠળ સ્ટેશનોનું આધુનિકીકરણ પણ પ્રવાસીઓને હાલાકી કેમ, કારણ શું?