ઉરણ હત્યાકાંડ: હવે ઘણાં રહસ્યો ખૂલશે રેલવે ટ્રેક નજીક દાઉદે છુપાડેલો યશશ્રીનો મોબાઇલ જડ્યો

મુંબઈ: નવી મુંબઈના ઉરણમાં 22 વર્ષની યશશ્રી શિંદેની ગયા મહિના થયેલી હત્યાના કેસમાં દાઉદ શેખની કર્ણાટકના ગુલબર્ગાથી ધરપકડ કરાયા બાદ પોલીસને હવે યશશ્રીનો ગુમ મોબાઇલ રેલવે ટ્રેક પરથી મળી આવ્યો છે. યશશ્રીનો મોબાઇલ દાઉદે છુપાવી રાખ્યો હોવાનું પોલીસને લાગી રહ્યું હતું, પણ હવે તેનો મોબાઇલ મળી આવતાં તેને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યો હોઇ હવે ઘણાં રહસ્યો ખૂલશે, એવુંં અધિકારીએ જણાવ્યું હતું.
દાઉદ શેખે પૂછપરછમાં પોલીસે કહ્યું હતુંં કે તે છેલ્લાં પાંચ વર્ષથી મોબાઇલ પર યશશ્રીના સંપર્કમાં હતો. દાઉદના આ દાવામાં કેટલું તથ્ય છે તે હવે પોલીસ તપાસમાં સામે આવશે. ઉપરાંત યશશ્રી અને દાઉદ વચ્ચે શું વાતચીત થતી હતી તે પણ પોલીસને હવે જાણવા મળશે.
આ પણ વાંચો : નવી મુંબઈ એરપોર્ટ પર પહેલું વિમાન એરફોર્સનું ઉતરશે
ઉરણમાં સ્કૂલ નજીક રહેતી યશશ્રી કોમર્સ ગ્રેજ્યુએટ હતી અને બેલાપુરમાં ખાનગી કંપનીમાં ડેટા એન્ટ્રિ ઓપરેટર તરીકે કામ કરતી હતી. 25 જુલાઇએ સવારે તે ઓફિસે જવા માટે ઘરેથી નીકળી હતી અને પાછી ફરી નહોતી. યશશ્રી ગુમ થતાં પરિવારજનોએ ઉરણ પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. 26 જુલાઇએ મોડી રાતે યશશ્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. યશશ્રીની હત્યાના કેસમાં પોલીસે દાઉદ શેખની 30 જુલાઇએ ધરપકડ કરી હતી. યશશ્રી 25 જુલાઇએ મળવા માટે આવી હતી, ત્યારે દાઉદ ચાકુ સાથે લઇને આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ કહ્યું હતું