આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર માટે લોહી રેડનાર યુપીના પ્રવીણે રાજ ઠાકરેને પુછ્યો પ્રશ્ન.., મરીન કમાન્ડોએ ભાષા વિવાદના અંતની કરી અપીલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે મરીન કમાન્ડો ફોર્સ (માર્કોસ)ના ભૂતપૂર્વ જવાન પ્રવીણ કુમાર તેવટિયાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા રાજ ઠાકરેને આકરા સવાલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણ ઉત્તર પ્રદેશના વતની છે. તેમણે દેશની એકતા જાળવવા અને ભાષાના નામે વિભાજન ન કરવાની અપીલ પણ કરી છે.

શું કહ્યુ પ્રવીણ કુમાર તેવતિયાએ?

પ્રવીણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેઓ યુનિફોર્મમાં બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા મુંબઈ હુમલામાં હાજર હોવાનું દર્શાવે છે. તેમની જેકેટ પર ‘યુપી’ લખેલું છે અને તેઓ હસતા ચહેરે બંદૂક સાથે દેખાય છે. પોસ્ટમાં તેમણે લખ્યું, “મેં 26 નવેમ્બરના મુંબઈને બચાવ્યું, હું યુપીનો છું અને મેં મહારાષ્ટ્ર માટે લોહી વહાવ્યું.” આ ઉપરાંત તેમણે આ પોસ્ટમાં પ્રશ્ન કર્યો હતો કે, તે સમયે તમારા તથાકથિત યોદ્ધાઓ ક્યાં હતા? તેમણે રાજ ઠાકરેના યોદ્ધાઓની ગેરહાજરી પર સવાલ ઉઠાવતા દેશને વિભાજિત ન કરવાનો સંદેશ આપ્યો.

26/11ના હુમલામાં પ્રવીણનું વીરતા પ્રદર્શન

26/11ના હુમલા દરમિયાન પ્રવીણે તાજ હોટેલમાં ફસાયેલા 150 લોકોને બચાવવા માટે પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન તેમને ચાર ગોળીઓ વાગી હતી અને અનેક ઈજાઓ થઈ હતી, પરંતુ તેમની ઝડપી કાર્યવાહીથી ઘણા જીવ બચ્યા હતા. તેમની આ વીરતા આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

આપણ વાંચો:  મુંબઈગરો સેનેટરી વેસ્ટના સલામત નિકાલ પ્રત્યે સાવ જ બેધ્યાન છે

શું છે વિવાદ?

શનિવારે શિવસેના (યુબીટી)ના નેતા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ આયોજન મરાઠીની અસ્મિતા માટે કરવામાં આવ્યું હતું. જ્યાં બંનેએ મરાઠી ભાષાને ફરજિયાત કરવાની હિમાયત કરી. રાજ ઠાકરેનું કહેવું હતું કે, “જો મરાઠી માટે અમે ગુંડા છીએ, તો એમ જ હોય.” આ નિવેદનના જવાબમાં પ્રવીણની પોસ્ટે રાજકીય અને સામાજિક ચર્ચાઓને વેગ આપ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button