ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે બબાલ: પ્રવાસીની હત્યા, જાણો સમગ્ર કેસની વિગતો?
મુંબઈ: ટ્રેનમાં પ્રવાસ દરમિયાન સીટ પર બેસવાને મુદ્દે થયેલા વિવાદમાં 16 વર્ષના સગીરે ચાકુના ઘા ઝીંકી પ્રવાસીની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો બનાવ બન્યો. આ ઘટના ઘાટકોપર સ્ટેશન પર 15 નવેમ્બરે બની હતી. આ કેસમાં રેલવે પોલીસે સગીરને ઝડપી પાડ્યો હતો, જ્યારે તેના મોટા ભાઇની ધરપકડ કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટમાં ગેસ ગળતરથી ત્રણના મોત…
સગીરને બાદમાં ડોંગરીના બાળસુધારગૃહમાં મોકલી અપાયો હતો, જ્યારે તેના મોટા ભાઇ મોહંમદ સનાઉલ્લા શેખ ઉર્ફે સોહેલ બેઠાને કોર્ટે અદાલતી કસ્ટડી ફટકારી હતી.
ટિટવાલામાં રહેતો અંકુશ ભાલેરાવ ઘાટકોપરમાં વાઇન શોપમાં કામ કરતો હતો. 14 નવેમ્બરે સવારે અંકુશ કામે જવા માટે ટિટવાલા સ્ટેશને આવ્યો હતો અને સીએસએમટી જતી ટ્રેન પકડી હતી. જોકે પ્રવાસ દરમિયાન સીટ પર બેસવાને મુદ્દે સગીર સાથે તેનો વિવાદ થયો હતો અને અંકુશે તેને લાફો માર્યો હતો. એ સમયે સગીરે તેને જોઇ લેવાની ધમકી આપી હતી.
બીજે દિવસે અંકુશ એ જ ટ્રેન પકડીને ઘાટકોપર સ્ટેશને ઊતર્યો હતો અને પ્લેટફોર્મ નંબર-ચાર પર પગપાળા જઇ રહ્યો હતો ત્યારે પાછળથી સગીરે તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અંકુશને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. કુર્લા રેલવે પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો : Election Result Day: ૧0,000 પોલીસના બંદોબસ્ત સાથે મુંબઈમાં થશે મતગણતરી…
પોલીસે સ્ટેશન પરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને તેને આધારે સગીરને તાબામાં લીધો હતો, જ્યારે ગુનામાં વપરાયેલું ચાકુ છુપાવવામાં મદદ કરવા બદલ તેના ભાઇની ધરપકડ કરવામાં આવી હતી.