સીએમ ફડણવીસે અડધી રાત્રે કરી બેઠકઃ મરાઠા આરક્ષણ મામલે જાણો લેટેસ્ટ અપડેટ્સ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

સીએમ ફડણવીસે અડધી રાત્રે કરી બેઠકઃ મરાઠા આરક્ષણ મામલે જાણો લેટેસ્ટ અપડેટ્સ

મુંબઈઃ મરાઠા સમાજને ઓબીસી કેટેગરીમાં આરક્ષણ આપવાની માગણી સાથે કાર્યકર્તા જરાંગે પાટીલ મુંબઈમાં અનશન પર બેઠા છે. આજે તેમના ઉપવાસનો ત્રીજો દિવસ છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન પાસે તેમના સમર્થકોએ ધામા નાખ્યા છે. તેઓ રસ્તા પર જ ન્હાય છે અને જ્યાં જગ્યા મળે ત્યાં જમવાનું બનાવી જમી લે છે. શુક્રવારે મોરચો આવ્યો ત્યારથી આ આંદોલનને લીધે મુંબઈકરોની હાલત કફોડી થઈ ગઈ છે.

સીએમની અડધી રાત્રે બેઠકમાં શું થયું

બીજી બાજુ મરાઠા આંદોલન મામલે રાજકારણ ગરમાયું છે. મુંબઈમાં ત્રણ દિવસથી ચાલી રહેલા આંદોલનને કેમ બંધ કરવું અને તેનો નિવેડો કઈ રીતે લાવવો તે માટે શનિવારે મોડી રાત્રે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, રાધાકૃષ્ણ વિખે પાટીલ અને ગિરિશ મહાજન વચ્ચે વર્ષા બંગલો ખાતે લાબી ચર્ચા ચાલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. આ આંદોલનનો આજે જ કોઈ નિવેડો આવી જાય અને જરાંગે પાટીલને મનાવી લેવામાં આવે તેવી શક્યતા છે.

બે જણાના મોત

દરમિયાન જરાંગે પાટીલ અને તેમના સમર્થકોએ સીએસટી રેલવે સ્ટેશન ખાતે પ્રોટોકોલ માટેના બેનર્સ લાગ્યા છે, જેમાં રેલવે કે શહેરની કોઈપણ સંપત્તિને નુકસાન ન થાય, શહેરીજનોને તકલીફ ન પડે વગેરે જેવા નિયમોનું પાલન કરવા જણાવ્યું છે. જોકે મળતી માહિતી મુજબ શનિવારે આરક્ષણમાં ભાગ લેવા આવેલા લાતૂરના 32 વર્ષીય વિજયકુમાર ઘોઘરેનું હૃદયરોગથી મોત થયું છે. અગાઉ પુણે ખાતે પણ એક યુવાન મૃત્યુ પામ્યો હતો. આ સાથે 15 જણને મેડિકલ ટ્રિટમેન્ટની જરૂર પડી છે. તેમને સરકારી હૉસ્પિટલોમાં સારવાર આપવામાં આવી છે.

મુસ્લિમ યુવાને દરગાહમાં ચાદર ચડાવી

મરાઠા આરક્ષણ માટે મીરા રોડમાં રહેતા એક મુસ્લિમ યુવાન અઝીમ તંબોલીએ અજમેર શરીફમાં ચાદર ચડાવી છે. અઝીમે કહ્યું છે કે ભલે હું મરાઠા નથી, પરંતુ લડત તો હક માટેની છે. ધર્મ અલગ છે, પરંતુ ન્યાય માટેની લડાઈ તો એક જ છે તેવો સંદેશ તેણે આપ્યો છે.

દરમિયાન સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર એનસીપીના નેતા શરદ પવાર જરાંગેને મળવા જાય તેવી શક્યતા છે. પવાર પોતે પણ મરાઠા સમાજના જ છે અને જરાંગે પાટીલને મળી તે આંદોલનને સમર્થન આપે છે કે કેમ તેના પર બધાની નજર રહેશે.

આપણ વાંચો:  વિરારની ઈમારત દુર્ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ: વધુ ચારની ધરપકડ

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button