કમોસમી વરસાદે બગાડ્યું ગૃહિણીઓનું બજેટ, શાકભાજીના ભાવમાં થયો આટલો વધારો…
મુંબઈ: છેલ્લાં અમુક દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના કારણે શાકભાજીના પાકને નુકસાન થયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. જેને પગલે શાકભાજીના ભાવોમાં પણ વધારો થયો છે. નાશિક, પુણે સહિતના શહેરોમાં કમોસમી વરસાદ પડ્યો હોવાના કારણે વિવિધ શાકભાજીના ભાવ ઊંચકાયા છે અને તેની અસર ખાસ કરીને મધ્યમ વર્ગીય ગૃહિણીઓને થાય થેવી ભીતી છે. છેલ્લાં એક અઠવાડિયામાં શાકભાજીના જથ્થાબંધ બજારમાં વિવિધ શાકભાજીના ભાવોમાં દસથી વીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.
ખાસ કરીને ભીંડા, ચોળી, દૂધી, કારેલા, ફણસી, રિંગણા અને શિમલા મરચાના ભાવોમાં વધારો થયો હતો. વાશી એપીએમસી(એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં અઠવાડિયા પૂર્વેે શાકભાજીનો પાક ભરેલી દિવસની 120થી 150 ટ્રક આવતી હતી. આ સંખ્યા હાલ ઘટીને દિવસની 90થી 110 શાકભાજીની ટ્રક આવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ઉક્ત તમામ શાકભાજીઓ પહેલા 60થી 80 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેંચાતી હતી. જોકે હવે આ શાકભાજીઓની કિંમત 100 રૂપિયાનો ભાવ વટાવી ગઇ છે.
શાકભાજીના જથ્થાબંધ ભાવ
શાકભાજી અઠવાડિયા પહેલા હમણાં
કારેલા 42-50 45-60
ચોળી 30-60 40-80
રિંગણા 24-40 34-60
દૂધી 22-60 25-80
ચોળી 30-60 40-80
શિમલા મરચા 35-60 45-80
ફણસી 100-120 180-200
ભીંડા 38-60 45-80