આમચી મુંબઈ

ઉમેદવારો બિનહરીફ ચૂંટાય તો મતદારોના ‘નોટા’ અધિકારનું શું? મુંબઈ ગ્રાહક પંચાયતનો સવાલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યની અનેક મહાનગરપાલિકામાં પહેલી વખત મોટા પ્રમાણમાં ચૂંટણીના મેદાનમાં અનેક રાજકીય પક્ષોના અથવા અપક્ષ ઉમેદવારો પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા સત્તાધારી રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણી પહેલા જ વિજયી થયા હોવાનું જણાઈ આવ્યું છે. લોકશાહી પ્રક્રિયામાં બિનરહરીફ ચૂંટાવવું જોખમી ગણાય છે અને ચૂંટણી પંચે આ બાબતે અહેવાલ પણ મગાવ્યો છે, છતાં આ વોર્ડમાં ફેરચૂંટણી થવાની આવશ્યકતા છે એવી માગણી સાથે જ બિનહરીફ ચૂંટાઈ આવેલા ઉમેદવાર વિરુદ્ધ મતદારોને મળેલી નાપસંદગી (નોટા) મત નોંધાવાના અધિકારનું શું? એવો સવાલ મુંબઈ ગ્રાહક પંચાયતે કર્યો છે.

રાજકીય મેદાનમાં સામા પક્ષના ઉમેદવારોને ચૂંટણી લડવાથી રોકવા માટે ધાક-ધમકી, પૈસાનું દબાણ સહિત અનેક દાવપેચો અજમાવવામાં આવતા હોય છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી પંચે સંબંધિત વોર્ડના એક જ ઉમેદવારને ચૂંટણીમાં મેદાનમાં વિજજી જાહેર નહીં કરતા ત્યાં ચૂંટણી યોજવી. આવું નહીં કરવાથી મતદારોને આવા ઉમેદવાર વિરુદ્ધ પોતાનો નાપસંદગીનો (નોટા) મત નોંધવાનો અધિકાર છીનવી લેવામાં આવશે અને મતદારોના મતની કોઈ કિંમત રહેશે નહીં એવો ડર પણ ગ્રાહક પંચાયતે વ્યક્ત કર્યો છે.

ભારતીય સંવિધાન મુજબ લોકશાહીમાં કોઈ પણ ચૂંટણી મુક્ત વાતાવરણમાં પારદર્શકતા રાખીને યોજાવી આવશ્યક છે પણ જે પદ્ધતિએ અપક્ષ જ નહીં પણ રાજકીય પક્ષોના ઉમેદવારો પણ પોતાની ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવા વોર્ડની ચૂંટણી રદબાદલ કરીને ત્યાં નવેસરથી અરજી મગાવીને ચૂંટણી મુક્ત વાતાવરણમાં લેવાની આવશ્યકતા હોવાનો મત ગ્રાહક પંચાયતે વ્યક્ત કર્યો છે. આ બાબતે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવવાની છે. જો ચૂંટણી પંચે આ બાબતે મક્કમ રીતે પગલા નહીં લીધા તો ભવિષ્યમાં ખોટી પ્રથા અમલમાં આવી જશે. આવશ્યકતા જણાઈ તો કોર્ટમાં જવાની ચીમકી પણ ગ્રાહક પંચાયતના કાર્યાધ્યક્ષ એડવોકેટ શિરીષ દેશપાંડેએ આપી છે.

શુક્રવારે ઉમેદવારી પાછી ખેંચવાની મુદત પૂરી થયા બાદ જુદી જુદી મહાનગરપાલિકામાં ૬૭થી વધુ નગરસેવકો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનો દાવો રાજકીય પક્ષોએ કર્યો છે, તેમાંથી સૌથી વધુ નગરસેવક સત્તાધારી મહાયુતિના છે. ઉમેદવારી પાછી ખેંચવાની મુદક પૂરી થયા બાદ સંબંધિત વોર્ડમાં જો એકમાત્ર પાત્ર ઉમેદવાર બાકી રહે તો તે બિનહરીફ ચૂંટાઈ આવ્યો હોવાનું માનવામાં આવે છે. જે વોર્ડમાં બિનહરીફ ઉમેદવાર ચૂંટાયા છે ત્યાં અરજી પાછા ખેંચનારા ઉમેદવારોએ દબાવમાં આવીને આ પગલું લીધું છે. તો અમુક જગ્યાએ ઉમેદવારોને ધમકાવવાને કારણે તેમણે ફોર્મ ભર્યા નહોતા. તો અમુક જગ્યાએ તેમને લાલચ આપવામાં આવતા તેમણે ફોર્મ પાછા ખેંચ્યા હોવાના આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે.

જયાં બિનહરીફ ઉમેદવારો ચૂંટાયા છે તે જગ્યાએ જોકે ચૂંટણી પંચે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી નથી. ચૂંટણી પંચે આ બાબતની તપાસ કરવાનો આદેશ આપ્યો છે અને અહેવાલ આવે નહીં ત્યાં સુધી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે નહીં એવી સ્પષ્ટતા પણ કરી છે. છતાં નિષ્ણાતોના મતે ચૂંટણી પંચના નિયમ મુજબ ચૂંટણી બિનહરીફ હોય છતાં તેનો નિકાલ મત ગણતરી બાદ જ જહારે કરવામાં આવે છે.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button