નવી મુંબઈમાં બેરોજગાર પુત્રએ માતાનું ગળું ઘોટ્યું
થાણે: નોકરીને મુદ્દે વારંવાર થતી બોલાચાલીથી કંટાળી બેરોજગાર પુત્રએ કથિત રીતે ગળું દબાવી માતાને મોતને ઘાટ ઉતારી હોવાની નવી મુંબઈમાં બની હતી.
તુર્ભે પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી રૂપચંદ રેહમાન શેખ (21)ની હત્યાના આરોપસર કોપરી ગાંવ ખાતેના એક મકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
અધિકારીના જણાવ્યા મુજબ મૃતકની ઓળખ સલમા ઉર્ફે જહાનારા ખાતુન (46) તરીકે થઈ હતી અને તે પુત્ર સાથે રહેતી હતી. કામ-ધંધો ન કરનારા પુત્ર સાથે માતાનો વારંવાર ઝઘડો થતો હતો.
શનિવારની મધરાતે દોઢ વાગ્યાની આસપાસ નોકરીને મુદ્દે જ માતા-પુત્ર વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. રોષમાં આવી પુત્રએ માતાનું ગળું દબાવ્યું હતું, જેમાં માતાનું મૃત્યુ થયું હતું.
બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સલમાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સલમાની પુત્રીની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)