ઉલ્હાસનગરમાં નકલી હવન કરાવીને વૃદ્ધા સાથે 24 લાખ રૂપિયાની છેતરપિંડી: સાત સામે ગુનો

થાણે: ઉલ્હાસનગરમાં નકલી હવન કરાવી 70 વર્ષની વૃદ્ધા સાથે સાત લોકોએ 24 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. વૃદ્ધાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે સાત લોકો સામે ગુનો દાખલ કર્યો હતો, જેમાં મહિલાનો પણ સમાવેશ છે.
ઉલ્હાસનગરમાં એકલી રહેલી વૃદ્ધા સાથે એક મહિલાએ મિત્રતા કરી હતી અને ઘરની વ્યવસ્થા કરી આપવાને બહાને વૃદ્ધા પાસેથી 10 લાખ રૂપિયા લીધા હતા, એમ વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
વૃદ્ધાએ પોતાના પૈસા પાછા માગ્યા ત્યારે મહિલા તથા અન્ય આરોપીઓએ પૈસા ચૂકવતા પહેલા ‘અવરોધો દૂર કરવા’ માટે વહન કરાવવાની જરૂર હોવાનું વૃદ્ધાને કહ્યું હતું.
આપણ વાચો: થાણેના વેપારી સાથે 16.82 લાખની છેતરપિંડી: ચાર વિરુદ્ધ ગુનો…
આરોપીઓ પર વિશ્ર્વાસ રાખીને વૃદ્ધાએ સોના-હીરાજડિત દાગીના તથા રોકડ તેમને આપી દીધા હતા. 11 નવેમ્બરે વહન દરમિયાન વૃદ્ધાને તેના દાગીના એક વાસણમાં રાખવાનું કહ્યું હતું. બાદમાં તેમણે વૃદ્ધાને ઘેનયુક્ત પ્રસાદ આપ્યો હતો.
પ્રસાદ ખાધા બાદ વૃદ્ધા બેભાન થઇ જતાં આરોપીઓ દાગીના તથા રોકડ લઇને રફુચક્કર થઇ ગયા હતા. વૃદ્ધાએ જણાવ્યું હતું કે તેણે દાગીના-રોકડ સહિત 24.6 લાખની મતા ગુમાવી હતી. પોલીસે આ પ્રકરણે સાત લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેમની શોધ આદરી હતી. (પીટીઆઇ)



