ઉલ્હાસનગરમાં પત્ની-પુત્રીની હત્યા કર્યા બાદ ઝવેરીએ કરી આત્મહત્યા

થાણે: થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં પત્ની અને પુત્રીની હત્યા કર્યા બાદ ઝવેરીએ ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાની ઘટના સામે આવી હતી. ઝવેરીએ મૃત્યુ અગાઉ વીડિયો રેકોર્ડ કર્યો હતો, જેમાં પોતાના અંતિમ પગલા પાછળનું કારણ અને તેને છેતરનારા તથા પરેશાન કરનારા લોકોનો ઉલ્લેખ કર્યો હતો.
મૃતકોની ઓળખ ઝવેરી પવન પહુજા, તેની પત્ની નેહા પહુજા અને પુત્રી રોશની તરીકે થઇ હતી. ઉલ્હાસનગર કેમ્પ નંબર-1 વિસ્તારમાં હર્ષ કોટેજ ખાતે રહેતો હતો.

પોલીસને ગુરુવારે સવારે 11.45 વાગ્યે આ અંગે માહિતી મળી હતી, જેને પગલે પોલીસની ટીમ તાત્કાલિક ઝવેરીના ઘરે દોડી આવી હતી. પોલીસ અધિકારીઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે પવન, તેની પત્ની અને પુત્રી મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં.
આપણ વાંચો: રાયગડની પોલિક્લિનિકમાં ગર્લફ્રેન્ડની હત્યા કરી યુવાને પણ જીવન ટૂંકાવ્યું
પવન છત સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો, જ્યારે તેની પત્ની અને પુત્રીના મૃતદેહ જમીન પર પડેલા હતા. ત્રણેયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલાયા બાદ પોલીસે આ પ્રકરણે તપાસ આદરી હતી.
પડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે પહુજા પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો, કારણ કે કેટલાક લોકોએ તેમની સાથે છેતરપિંડી આચરી હતી. દંપતીએ છ મહિના અગાઉ હૃદયની બીમારીને કારણે તેમનો 12 વર્ષનો પુત્ર ગુમાવ્યો હતો.
પડોશી તથા મિત્રોએ જણાવ્યું હતું કે પવન તેની સમસ્યાઓ અંગે વારંવાર તેમની સાથે ચર્ચા કરતો હતો અને જીવન ટૂંકાવવાની વાત કરતો હતો. તેના એક મિત્રએ કહ્યું હતું કે પવને મૃત્યુ પહેલા વીડિયો રેકોર્ડ કર્યો હતો.