ઉદીત નારાયણની બિલ્ડિંગમાં આગઃ પડોશીનું મોત, જાણો વિગતો

મુંબઇઃ ગાયક ઉદિત નારાયણની બિલ્ડીંગમાં ભીષણ આગ લાગવાને કારણે તેમના પડોશીનું મોત થયું હોવાના સમાચાર જાણવા મળ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 જાન્યુઆરીએ રાત્રે 9.15 કલાકે અંધેરીના શાસ્ત્રી નગરમાં લક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, લિંક રોડની બાજુમાં, SAB ટીવી રોડ નજીક આવેલા બિલ્ડિંગ ‘સ્કાયપેન’ એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આ બિલ્ડિંગમાં જ ગાયક ઉદિત નારાયણનો પરિવાર રહે છે. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં ઉદીત નારાયણની પડોશમાં રહેતા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ સિંગરની પડોશમાં રહેતા રાહુલ મિશ્રા આ આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા. તેમને તુરંત જ કોકિલાબેન હૉસ્પિટલમાં લઇ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી, પણ તેમણે રસ્તામાં જ દમ તોડી દીધો હતો. ફ્લેટમાં હાજર તેમના સંબંધી રૌનક મિશ્રાને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી.
લોકોએ જણાવ્યું હતું કે મિશ્રાના ફ્લેટમાં ઇલેક્ટ્રિકલ સાધનોને કારણે આ દુર્ઘટના બની હતી. જો કે, બિલ્ડિંગના જ એક રહેવાસીએ કહ્યું હતું કે પરિવારે એક દિવો સળગાવ્યો હતો ,જેની જ્યોતથી નજીકના પડદાએ આગ પકડી લીધી હતી. એ સમયે મીસીસ મિશ્રા મદદ માટે બૂમો પાડીને નીચે દોડ્યા હતા અને ચોકીદારને ફ્લેટમાં બોલાવી લાવ્યા હતા, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
Also read: Mumbai Fire: અંધેરીમાં હાઈ રાઈઝ બિલ્ડીંગમાં ભીષણ આગ ફાટી નીકળી, એકનું મોત
અગ્નિ શમન દળને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. ફાયર ફાયટરોએ 5 વાહનો સાથે ઝડપી કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ મુખ્યાલયે આ બિલ્ડિંગના રહેવાસીના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
આ પહેલા સિંગર શાનના બિલ્ડિંગમાં આગ લાવગાની ઘટના બની હતી. 25 ડિસેમ્બરે સિંગર શાનની ફોર્ચ્યુન એન્ક્લેવ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઘણું નુકસાન થયું હતું.