ઉદ્ધવના ખેડૂતો મામલે આક્ષેપો બરાબર, પણ હવે એશિયા કપને શું મુદ્દો બનાવવાનો

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં આવેલી પુરની સ્થિતિ મામલે રાજ્યની સરકાર પર શાબ્દિક હુમલો કર્યો છે અને ખેડૂતને હેક્ટરદીઠ રૂ. 50,000નું વળતર આપવા સાથે અન્ય માગણી કરી છે. મહારાષ્ટ્રમાં થયેલી અતિવૃષ્ટિથી ઘણા વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોનું ધોવાણ થઈ ગયું છે અને સામાન્ય જીવનને પણ મોટેપાયે નુકસાન થયું છે, તેથી ઉદ્ધવ ઠાકરે વિરોધપક્ષના નેતા તરીકે સરકાર પાસે ખેડૂતો માટે મદદ માગે તે બરાબર છે, પરંતુ તેમણે ફરી એશિયા કપ મામલે પણ નિવેદન આપ્યું છે. એશિયા કપ ભારતે જીત્યો તેને ત્રણ દિવસ વીતી ગયા છે, ત્યારે હવે આ મુદ્દો અસ્થાને લાગી રહ્યો છે.
જેમણે મેચ જોઈ તે પણ દેશદ્રોહી
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે સખત વલણ અપનાવ્યું અને પાણી બંધ કરવા જેવા નિર્ણયો સાથે ઑપરેશન સિંદૂર પણ હાથ ધર્યું. તે સમયે સમગ્ર દેશે પાકિસ્તાની કલાકારોનો પણ વિરોધ કર્યો અને સોશિયલ મીડિયામાં સેલિબ્રિટીઝ વચ્ચે પણ જંગ છેડાઈ ગઈ હતી. ત્યારબાદ એશિયા કપ ક્રિકેટ મેચનું શિડ્યુઅલ આવ્યું ત્યારે તેમાં પાકિસ્તાન સામે પણ ભારતની મેચ શિડ્યુઅલ થઈ હતી. જેનો વિરોધ શરૂ થયો અને વિપક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો અને મેચ રમાઈ, ત્યારબાદ ફાયનલ મેચમાં પણ ભારત પાકિસ્તાન સામ સામે આવ્યું અને તેમાં ભારત જીતી ગયું. આ બન્ને વચ્ચે ઘણી બબાલ અને નિવાદો થયા, પણ હવે આ મુદ્દો પૂરો થઈ ગયો છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ જેમણે મેચ જોઈ છે તેમને દેશદ્રોહી કહ્યા છે. ઠાકરેએ પત્રકાર પરિષદ સંબોધીને કહ્યું કે મેં એક દેશભક્તની જેમ તે ક્રિકેટ મેચ જોઈ નથી, જેમણે જોઈ છે તે દેશદ્રોહી છે. દેશભક્તિ માત્ર રમતના મેદાન સુધી સિમિત છે, તેમ નથી, પરંતુ આ માટે સતત સતર્ક રહેવું પડે છે.
આ પણ વાંચો : એશિયા કપની ટ્રોફી માટે સુર્યકુમાર યાદવને જવું પડશે ACC ઓફિસ? નકવીએ મુકી નવી શરત
રાજ્ય સરકાર અને ફડણવીસ પર પ્રહારો
ઉદ્ધવ ઠાકરેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને ઉપમુખ્ય પ્રધાન પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ માત્ર પોતાનું બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે અજિત પવાર સરકારનો ભાગ ન હોવાનું જણાઈ રહ્યું છે અને તેઓ એકલા થઈ ગયા છે.
આ પણ વાંચો : ભારતીય ખેલાડીઓને એશિયા કપ ટ્રોફી મળી ગઈ! સુર્યા એન્ડ કંપનીએ આ રીતે નકવીની મજાક ઉડાવી
ઠાકરેએ એમ પણ કહ્યું કે ચીની મિલમાલિકોને સરકાર બચાવી રહી છે, મદદ કરી રહી છે જ્યારે ખેડૂતોને મદદ કરવા તેમની પાસે કેમ પૈસા નથી. તેમણે પોતે મુખ્ય પ્રધાન હતા ત્યારનો સમય યાદ કરી જણાવ્યું હતું કે તે સમયે દેવેન્દ્ર ફડણવીસે મને પત્ર લખી ખેડૂતોની મદદ કરવા જણાવ્યું હતું. મેં ત્યારે ખેડૂતોની લોન માફ કરવાની ઘોષણા કરી હતી. શું ફડણવીસ આમ કરશે તેવો સવાલ પણ તેમણે કર્યો હતો. હજુ સુધી પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા કેન્દ્રીય ટીમ નથી આવી, તેમ પણ તેમણે જણાવ્યું હતું ત્યારે ભાજપે ઠાકરેને દશેરા મેળાનો ખર્ચ ન કરતા ખેડૂતોને મદદ કરવાની માગણી કરી હતી.