આમચી મુંબઈમહારાષ્ટ્ર

હવે ઉદ્ધવ ઠાકરે ચાલ્યા પિતાના રસ્તેઃ સેનાભવનમાં હાજરી લગાવવાનું આ નેતાઓને કર્યું ફરમાન

મુંબઈઃ શિવસેના પક્ષપ્રમુખ બાળ ઠાકરે જનતાના નેતા હતા, મરાઠી માણૂસના નેતા હતા અને તેથી તેઓ સતત લોકો વચ્ચે રહેવાનું પસંદ કરતા હતા. તેમની હયાતીમાં દાદર ખાતે આવેલું શિવસેના ભવન શક્તિકેન્દ્ર માનવામાં આવતું અને અહીં હંમેશાં માટે ભીડ રહેતી હતી, પણ છેલ્લા ઘણા સમયથી અહીં લોકોની અવરજવર ઓછી થઈ ગઈ હતી. પોતાનો જનતા જ નહીં પણ શિવસૈનિકો સાથેનો સંપર્ક પણ ઓછો થઈ ગયો હોવાનું શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેની જાણમાં આવ્યા બાદ હવે તેમણે ફરી પિતાની એક ફોર્મ્યુલા પર ફરી કામ કરવાનું નક્કી કર્યું છે.

પક્ષ સંભાળનો ઉદ્ધવ માટે મોટો પડકાર
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદે બેસ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની શિવસેના વધુ મજબૂત બનવી જોઈએ, પરંતુ તેમ ન થતાં ઉદ્ધવ માટે પક્ષ સાચવી રાખવાનો મોટો પડકાર સામે આવીને ઊભો છે. 2022માં પક્ષના નેતા એકનાથ શિંદેએ બળવો કરી 39 વિધાનસભ્ય અને 12 સાસંદ સાથે નવો પક્ષ બનાવ્યો અને ભાજપ સાથે સત્તાની સ્થાપના કરી. ત્યારબાદ ઉદ્ધવ ઠાકરે માટે લોકસભાની ચૂંટણીના પરિણામો તો સારો સમય ફરી આવશે તેવી આશા લઈને આવી, પરંતુ 2024માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીએ પક્ષને ભારે ફટકો આપ્યો. રાજ્યમાંથી સત્તા ગઈ અને મુંબઈ પરનું પ્રભુત્વ પણ ઓછું થયું. હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આ વર્ષમાં ગમે ત્યારે થશે તે નક્કી છે ત્યારે પક્ષ માટે અસ્તિત્વ ટકાવી રખવાની લડત છે. આથી ઉદ્ધવ ઠાકરેએ પિતાના પગલે ફરી ચાલવાનું નક્કી કર્યું છે.

શું હતી બાળ ઠાકરેની ફોર્મ્યુલા?
બાળ ઠાકરેએ ખૂબ સંઘર્ષ બાદ શિવસેના પક્ષ ઊભો કર્યો અને તેને જનતા સાથે એવો જોડ્યો કે તેમની સત્તા હોય કે ન હોય સત્તાના કેન્દ્રમાં તેઓ અને તેમનો પક્ષ રહેતો. સંગઠન મજબૂત થાય અને શિવસૈનિકોની વાત કાને ધરાય, તેમનો પણ પક્ષ પરનો ભરોસો ટકી રહે તે માટે તેમણે એક અષ્ટ પ્રધાનમંડળની રચના કરી હતી. જેમાં દત્તાજી સાલ્વી, મનોહર જોશી, સુધીર જોશી, પ્રમોદ નવલકર, સતીશ પ્રધાન, દત્તાજી નલાવડે, વામનરાવ મહાડિક અને લીલાધર ડાકેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પક્ષસંબંધી કોઈપણ નિર્ણય હોય તો આ આઠ જણ સાથે ચર્ચા કરી પછી જ લેવામાં આવતો. આ સાથે આ બધા વરિષ્ઠ નેતાઓ માટે શિવસેનાભવનમાં નિયમિત હાજરી ફરજિયાત હતા અને કાર્યકર્તાઓને સાંભળવાનું પણ ફરજિયાત હતું. આથી શિવસેના ભવનમાં હંમેશાં ચહલપહેલ રહેતી અને પક્ષ મજબૂત હતો.

આ પણ વાંચો…ભારતનું આ શહેર વિશ્વનું સૌથી પ્રદુષિત શહેર! 20 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી આટલા તો ભારતના જ

ઉદ્ધવે પણ આ નેતાઓને કર્યું ફરમાન
ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જ પોતાના નેતાઓને એક આદેશ આપ્યો છે. તેમણે દિવાકર રાવતે, સુભાષ દેસાઈ, સંજય રાઉત, ચંદ્રકાંત ખૈરે, અનંત ગીતે, અરવિંદ સાવંત, ભાસ્કર જાધવ, આદિત્ય ઠાકરે, વિનાયક રાઉત, અનિલ દેસાઈ, અનિલ પરબ, રાજન વિખરે, સુનીલ પ્રભુ અને અંબાદાસ દાનવે આ તમામ નેતાઓને દર મંગળવારે સેનાભવનમાં અચૂક હાજરી આપવાનું કહ્યું છે. પક્ષને ફરી બેઠો કરવા આ એક મહત્વનું પગલું હોવાનું કહેવાય છે. આનાથી ફરી એકવાર નેતાઓ અને કાર્યકરો વચ્ચે ભાવનાત્મક સંબંધ બનશે તેવું જાણકારોનું માનવું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button