ઉદ્ધવ ઠાકરેએ ભાજપને માર્યો ટોણો, કહ્યું ‘મોદી સરકારનું આ છેલ્લું બજેટ’
મુંબઈ: ગુરુવારે વચગાળાના બજેટની રજૂઆત પછી ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ (uddhav thackeray) આડે હાથ લીધી હતી.
રાયગઢ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા તેમણે કહ્યું કે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે (nirmala sitharaman) મોદી સરકારનું “છેલ્લું” બજેટ (union budget 2024) રજૂ કર્યું છે. તેણે કહ્યું કે સીતારમણના કહેવા પ્રમાણે બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
કેન્દ્ર સરકારને નિશાન બનાવતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આખરે સરકારને એહસાસ થયો કે ભારતમાં આ ચાર વર્ગના લોકો પણ છે. તેણે કહ્યું કે, “મોદી સરકારે તેનું છેલ્લું બજેટ કર્યું છે. નાણાં મંત્રીને ધન્યવાદ આપવા માંગુ છું કે તેણે ઘણા ભારે મન સાથે આ કાર્ય કર્યું અને છેલ્લું બજેટ રજૂ કર્યું”
એક તરફ મોદી સરકાર આ બજેટના વખાણ કરી રહી છે તો બીજી તરફ વિપક્ષે તેની ટીકા કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વચગાળાના સામાન્ય બજેટને ‘ઐતિહાસિક, સર્વસમાવેશક અને નવીન’ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ બજેટ 2047ના ‘વિકસિત ભારત’ના પાયાને મજબૂત કરવાની ગેરંટી છે.
બજેટ રજુ થયા બાદ વડાપ્રધાને વિડીયો સંદેશ દ્વારા બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપતાં એમ પણ કહ્યું હતું કે આ દેશના ભવિષ્યના નિર્માણ માટેનું બજેટ છે જે વિકસિત ભારતના ચાર સ્તંભો યુવા, ગરીબ, મહિલાઓ અને ખેડૂતોને સશક્ત બનાવશે.
સીતારમને પ્રિ-પોલ બજેટ રજૂ કર્યું હતું, જે એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા માટે ટેક્નિકલ રીતે વોટ ઓન એકાઉન્ટ છે. તેને વચગાળાના બજેટ તરીકે ઓળખવામાં આવે છે. એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે.