તો.. તો હવે ઉદ્ધવ ઠાકરેના પિતરાઇ ભાઇ રાજ ઠાકરે સાથેના સંબંધો સુધરી જશે….!

મુંબઇઃ મહારાષ્ટ્રમાં વિધાન સભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ છે અને તમામ રાજકીય પક્ષો આ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. દરમિયાન, મહારાષ્ટ્રના મોટા રાજકીય પરિવારો વચ્ચેની લડાઈ થોડી ઓછી થઈ શકે છે એવા સમાચાર મળી રહ્યા છે અને આ વખતે આ પહેલ ઉદ્ધવ ઠાકરે કરવા જઇ રહ્યા છે. આપણે આ વાત વિગતે જાણીએ
શિવસેના યુબીટીના ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે વચ્ચેની અંગત દુશ્મનાવટ જગજાહેર છે.
હવે એવા સમાચાર મળ્યા છે કે ઉદ્ધવ ઠાકરે પિતરાઈ ભાઈ રાજ ઠાકરે સાથે સંબંધો સુધારવા માટે પહેલ કરશે, જેને કારણે બંને ભાઇઓ વચ્ચે ચાલી આવતી 15 વર્ષ જૂની અદાવત ઓછી થઇ શકે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે સામે ઉમેદવાર ઉભા નહીં કરે. જો આમ થાય તો લગભગ દોઢ દાયકાથી ઠાકરે પરિવારમાં ચાલી રહેલી દુશ્મનાવટ થોડી ઓછી થઇ શકે છે.
મળતી માહિતી મુજબ, અમિત ઠાકરે માહિમ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તેઓ મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેનાના પ્રમુખ છે. તેઓ ચૂંટણી પણ લડવાના છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના તેમની સામે ઉમેદવાર ન ઊભો રાખવાની તૈયારી કરી રહી છે. MNS નેતાઓએ અમિત ઠાકરેને મેદાનમાં ઉતારવાની માંગ કરી છે અને હવે અંતિમ નિર્ણય રાજે લેવાનો છે.
જો અમિત ઠાકરેને ટિકિટ મળશે તો ઉદ્ધવ સેના તેમની સામે ઉમેદવાર નહીં ઉતારે. આનું કારણ એ છે કે જ્યારે આદિત્ય ઠાકરે 2019માં વરલી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા ત્યારે MNSએ પણ તેમની સામે ઉમેદવાર ઊભો રાખ્યો નહોતો. એવું માનવામાં આવે છે કે ઉદ્ધવ ઠાકરે હવે બદલામાં અમિત માટે પણ આવું જ કરશે અને પરિવારમાં સંઘર્ષ ઓછો કરવાનો પ્રયાસ કરશે.
2019ની ચૂંટણીમાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે જો અમારા બાળકો ચૂંટણી લડવા માંગતા હોય, તો તેમણે અમને આગળ વધવા દેવા જોઈએ. જો આદિત્ય ચૂંટણી લડવા માંગે છે તો તેમાં ખોટું શું છે. હવે ઉદ્ધવ ઠાકરે પણ ભાવનાત્મક રણનીતિ બનાવી પારિવારિક એકતાનો સંદેશ આપશે.
હાલમાં શિવસેના વિભાજિત છે. એકનાથ શિંદેની સેનાએ ઉદ્ધવ ઠાકરે સાથે છેડો ફાડી ભાજપ સાથે હાથ મિલાવ્યા છે. એવામાં ઉદ્ધવ ઠાકરેના આ પગલાંથી ઉદ્ધવ સેનાને ફાયદો થવાની આશા છે અને ચૂંટણી પછી જરૂર પડે તો MNS વિધાન સભ્યોનો તેઓ સાથ લઇ શકે છે.
Also Read –