‘..તો અમે હંમેશા વડા પ્રધાન સાથે ઉભા રહીશું’: ઉદ્ધવ ઠાકરે
શિવસેના (યુબીટી)ની બેઠકમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી પર ચર્ચા કરી: ઠાકરેએ અમિત શાહને ત્રણ પક્ષોના વડા ગણાવ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષ શિવસેના (યુબીટી)ના વિધાનસભ્યો, સાંસદો અને જિલ્લા વડાઓની એક બેઠક શનિવારે યોજાઈ હતી. આ બેઠક દાદરના શિવસેના ભવનમાં પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન, એક રાષ્ટ્ર, એક ચૂંટણી, સરકાર વિરુદ્ધની રણનીતિ અને તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે દેશ વિરુદ્ધ નથી, પરંતુ અમે ચોક્કસ સરકારની વિરુદ્ધ છીએ.
જોકે, યુબીટીના પદાધિકારીઓની બેઠક શિવસેના ભવનમાં બંધ રૂમમાં યોજાઈ હતી. મીટિંગમાં કેમેરા લઈ જવાની મંજૂરી નહોતી.
સૂત્રોએ કહ્યું હતું કે ઉદ્ધવે આ બેઠકમાં કહ્યું હતું કે, ‘કાશ્મીર આપણું છે, કાશ્મીર ગઈકાલે પણ આપણું હતું, આજે પણ આપણું છે અને આવતીકાલે પણ આપણું જ રહેશે.’ એવો સમય આવી શકે છે જ્યારે દેશમાં ભાજપ નહીં હોય, પણ કાશ્મીર આપણું જ રહેશે.
આ દરમિયાન, ઠાકરેએ દેશમાં સંકટના સમયે વડા પ્રધાનની સાથે ઊભા રહેવાની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘આપણા વૈચારિક મતભેદો હોઈ શકે છે, પરંતુ જ્યારે દેશ સંકટનો સામનો કરતો હોય, ત્યારે અમે હંમેશાં વડા પ્રધાનની સાથે ઉભા રહીએ છીએ.
અમે દેશની વિરુદ્ધ નથી, પણ સરકારની વિરુદ્ધ ચોક્કસ છીએ. તમને જણાવી દઈએ કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ, શિવસેના યુબીટીએ કહ્યું હતું કે તેઓ પાકિસ્તાન સામે ભારતની બદલો લેવાની કાર્યવાહી અને ત્યારબાદના વિકાસમાં સરકારની સાથે રહેશે.
આપણ વાંચો: શિવસેના (યુબીટી)ના મૃત નેતાની પત્ની તેજસ્વીએ પાર્ટી પદ છોડ્યું…
‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી ઠીક છે’
આ બેઠકમાં દેશમાં એકસાથે ચૂંટણીઓ યોજવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણીનો અભ્યાસ ચાલુ છે.
’ સમિતિ મહારાષ્ટ્રમાં છે, પરંતુ ચૂંટણીઓ પારદર્શક રીતે થવી જોઈએ. તેમણે કહ્યું હતું કે એક રાષ્ટ્ર, એક ચૂંટણી ઠીક છે, પરંતુ એ સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન ચૂંટણી પ્રચારમાં ભાગ ન લઈ શકે. આ દરમિયાન તેમણે ભાજપ પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સત્તા મળ્યા પછી ઘમંડી ન બનવું જોઈએ.
અમિત શાહ ત્રણ પક્ષના વડા
ઠાકરેએ કહ્યું હતું કે, ‘આપણું (શિવસેના-યુબીટીનું) વહાણ ડૂબવાનું નથી.’ ઊલટાનું, ભાજપનું ઓવરલોડેડ જહાજ ડૂબવાની તૈયારીમાં છે. અમિત શાહ ત્રણ પક્ષોના વડા છે. તેઓ અજિત પવાર અને શિંદેની પાર્ટીના વડા પણ છે.
શક્તિ આવતી અને જતી રહે છે. સત્તા મળે એટલે ઘમંડી ન થવું જોઈએ અને સત્તા ગુમાવો ત્યારે દુ:ખી ન થવું જોઈએ. સત્તા પાછી મેળવવા માટે સખત મહેનત અને પ્રયત્ન કરવા પડશે.