ઉદ્ધવ ઠાકરે સિલ્વર ઓક પર શરદ પવારની મુલાકાતે: આખરે શું હશે ચર્ચાનો વિષય?
મુંબઇ: શિવસેના ઠાકરે જૂથના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે રાષ્ટ્રવાદી કોંગ્રેસના વરિષ્ઠ નેતા શરદ પવારને મળવા માટે સિલ્વર ઓક પર દાખલ થયા છે. ઉદ્ધવ ઠાકરે સાથે સંજય રાઉત પણ સિલ્વર ઓકમાં દાખલ થયા છે. આ બંને નેતાઓ વચ્ચેની મુલાકાત અંગે હવે તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. સોમવારે ગ્રામપંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા. ત્યાર બાદ આજે ઠાકરે અને પવારની મુલાકાત થઇ રહી છે. તેથી હવે આ મુલાકાત અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ થઇ રહી છે.
મહાવિકાસ આઘાડી અને મહાયુતીએ કેટલી બેઠકો જીતી, આ અંગે પણ ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. ગ્રામપંચાયતની ચૂંટણી બાદ આગામી ચૂંટણી પર મહાવિકાસ આઘાડી ધ્યાન કેન્દ્રિત કરશે. લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડીની સમન્વય સમિતી અંગે પણ ચર્ચા થવાની શક્યતાઓ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાંક દિવસો પહેલાં પવારે કહ્યું હતું કે, અદાણી બાબતે ઉદ્ધવ ઠાકરેના કેટલાંક વિચારો છે. એ બાબતે હું ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરીશ. ત્યારે આ મુલાકાતનો વિષય અદાણી તો નથી ને? એવી ચર્ચાઓ પણ થઇ રહી છે. શિવસેનાના દશેરાના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ અદાણી પર નીશાનો સાધ્યો હતો. ધારાવી પુર્નવિકાસનો કોન્ટ્રાક્ટ અદાણી જૂથને મળ્યો છે. એ વિષય પરથી ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને અદાણીના સંબંધો અંગે વાત કરી હતી.