ભાજપના રાજમાંં ન્યાયની માગણી કરવી એ રાજદ્રોહ બની ગયો છે: ઉદ્ધવ ઠાકરે

મુંબઈ: દશેરા રેલીને સંબોધતા શિવસેના-યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગયા મહિને લદાખમાં થયેલી હિંસા પ્રકરણે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની કરાયેલી ધરપકડ અંગે ભાજપની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે દેશમાં ન્યાય અને અધિકાર માટે લડવું એ એક ગુનો બની ગયો છે, રાજદ્રોહ બની ગયો છે.
ઉદ્ધવ ઠાકરેએ ભાજપની સરખામણી અમીબા સાથે કરી હતી અને કહ્યું હતું કે જેમ અમીબા શરીરમાં દાખલ થાય ત્યારે પેટમાં દુખાવો થવા લાગે છે તેમ ભાજપને કારણે સમાજમાં અશાંતિ ફેલાઇ છે.
મુંબઈમાં પાલિકાની ચૂંટણી પહેલા ભાજપે ફરી હિન્દુ-મુસ્લિમ વચ્ચે ફૂટ પાડવાની શરૂઆત કરી છે. ભાજપ અને સુશાસન વચ્ચે કોઇ સંબંધ જ રહ્યો નથી, એમ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
આ પણ વાંચો: દશેરા રેલી રદ કરી પૂર પીડિતોને મદદ કરો: ભાજપની ઉદ્ધવ ઠાકરેને સલાહ…
‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના ૧૦૦ વર્ષના પ્રયાસો બાદ ઉગેલા આ ઝેરી ફળ (ભાજપ)થી તમે ખુશ છો?’, એવો સવાલ ઉદ્ધવે આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને પૂછ્યો હતો. શતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે નાગપુરમાં સંઘની વિજ્યાદશમીની વાર્ષિક રેલી યોજાઇ હતી.
મહારાષ્ટ્રના સ્પેશિયલ પબ્લિક સિક્યોરિટી એક્ટ અને વાંગચુકની કરાયેલી ધરપકડ વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે દેશમાં પોતાના અધિકાર અને ન્યાય માટે લડવું હવે રાજદ્રોહ બની ગયો છે.
આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે દશેરાએ શું જાહેરાત કરશે? એમવીએમાં થશે મોટી ઉથલપાથલ
રાજ્યમાં ખેડૂતોને લોનમાફી આપવા તથા વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે પ્રતિ હેક્ટરે રૂ. ૫૦,૦૦૦ની સહાય કરવાની માગણી કરતા ઠાકરેએ કહ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પાસે બિહારમાં મત ખરીદવા માટે પૈસા છે, પરંતુ મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્તોને રાહત આપવા માટે પૈસા નથી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે હાથ મિલાવવા અંગે તેમણે કહ્યું હતું કે સાથે રહેવા માટે અમે સાથે આવ્યા છીએ. પાલિકાની ચૂંટણી જીત્યા બાદ અમે ભાજપ દ્વારા કરાયેલી પાલિકાની લૂંટ પર શ્વેતપત્ર લાવીશું. (પીટીઆઇ)