ઉદ્ધવ ઠાકરેનો અમિત શાહ પર હુમલો: ભાજપ ‘એનાકોન્ડા’ જેવું, મુંબઈ ગળી જવાના પ્રયાસો સામે લડી લેવાની પ્રતિજ્ઞા

મુંબઈ: શિવસેના (યુબીટી)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહાર કર્યા હતા. વર્લીમાં પક્ષના કાર્યકરોની રેલી દરમિયાન ઠાકરેએ શાહની તુલના ભયાનક ‘એનાકોન્ડા’ અને આક્રમણકારી ‘અબ્દાલી’ સાથે કરી હતી. તેમણે ભાજપ પર રાજકીય હેરાફેરી અને જમીન પચાવી પાડીને મુંબઈને ગળી જવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો અને આવી કોઈપણ કોશિશનો વિરોધ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ઠાકરેએ કહ્યું કે, “જેમ એનાકોન્ડા તેના રસ્તામાં આવતી દરેક વસ્તુને ગળી જાય છે, તેમ આ લોકો મુંબઈને ગળી જવા માંગે છે.” તેમણે શિવસેના UBTના મુખપત્ર ‘સામના’ના એક અહેવાલનો હવાલો આપ્યો, જેમાં ભાજપની નવી ઑફિસ વીજળીની ગતિએ જમીન પચાવી પાડીને બનાવવામાં આવી હોવાનો ઉલ્લેખ હતો, અને આના પરથી તેમણે શાસક પક્ષની તુલના જીજામાતા ઉદ્યાનમાં હાલમાં જ લાવવામાં આવેલા એનાકોન્ડા સાથે કરી હતી.
નવા અબ્દાલી દિલ્હી અને ગુજરાતથી આવ્યા
ઉદ્ધવ ઠાકરેએ ભાજપના નેતાઓની તુલના અફઘાન આક્રમણકારી અહમદ શાહ અબ્દાલી સાથે પણ કરી હતી અને દાવો કર્યો હતો કે તેઓ મુંબઈ પર કબજો કરવા આવ્યા છે. ઠાકરેએ સખત શબ્દોમાં કહ્યું, “અસલી અબ્દાલી ફરી આવ્યા છે, આ વખતે દિલ્હી અને ગુજરાતથી. જો તેઓ અમારા શહેરને લેવાનો પ્રયાસ કરશે, તો તેમની કબર અમારી જ ધરતી પર બનશે.” શિવસેના યુબીટી પ્રમુખે મહારાષ્ટ્રની રાજકીય અને આર્થિક લૂંટને ઐતિહાસિક વ્યક્તિઓ સાથે પણ જોડી હતી. તેમણે ગુજરાતી નેતા અને બોમ્બે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈ પર તેમના કાર્યકાળ દરમિયાન મહારાષ્ટ્રીયન પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો.
ભાજપ પર ‘વોટ ચોરી’નો ગંભીર આરોપ
ઉદ્ધવ ઠાકરેએ આ રેલી દરમિયાન સત્તાધારી ભાજપ પર ‘વોટ ચોરી’નો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “લોકશાહીમાં મતદારો સરકારની પસંદગી કરે છે, પરંતુ આજે સરકાર મતદારોની પસંદગી કરે છે.” ઠાકરેએ માગ કરી હતી કે ‘ફર્જી મતદારોના દુરાચાર’ માટે ચૂંટણી કમિશનર વિરુદ્ધ કેસ દાખલ થવો જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે લોકસભા ચૂંટણી જીત્યા બાદ અને કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી ચૂંટણી કમિશનરો સામે કેસ દાખલ કરવામાં આવશે અને તેમને મુકદ્દમાનો સામનો કરવો પડશે.
થાણેમાં ‘આપલા દવાખાના’ના ડૉકટર-કર્મચારીઓના પગાર મહિનાઓથી બંધ



