અનિલ દેશમુખની વસૂલી બાબતે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને જાણ હતી: પરમબીર સિંહ
મુંબઈ: રાજ્યના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી (એસપી)ના નેતા અનિલ દેશમુખે એવો આરોપ કર્યો હતો કે દેવેન્દ્ર ફડણવીસે મને રૂ. 100 કરોડની વસૂલીના કૌભાંડમાં ફસાવ્યો હતો. ફડણવીસે એવો ખુલાસો કર્યો હતો કે પરમબીર સિંહ અથવા સચિન વાઝેની નિયુક્તિ મેં કરી નહોતી.
આ બધાની વચ્ચે સચિન વાઝેએ કેમેરા સામે એવો આક્ષેપ કર્યો હતો કે અનિલ દેશમુખે પોતાના અંગત મદદનીશ (પીએ)ના માધ્યમથી વસૂલી કરી હતી. હવે પરમબીર સિંહે પણ કહ્યું હતું કે અનિલ દેશમુખ વસૂલી કરી રહ્યા છે તેની જાણકારી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને પણ હતી.
આ આક્ષેપ બાદ ફરી એક વખત અનિલ દેશમુખે કહ્યું હતું કે પરમબીર સિંહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે સોદો થયો હતો. આ આક્ષેપોનો જવાબ આપવાની સાથે જ હવે પરમબીર સિંહે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારનું પણ નામ લીધું હોવાથી પ્રકણની ગંભીરતા વધી જાય છે. પરમબીર સિંહે કહ્યું હતું કે દેશમુખના વસૂલી પ્રકરણની જાણકારી શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે બંનેને આપી હતી, આમ છતાં આ બંનેએ કશું જ કર્યું નહોતું એવો દાવો તેમણે કર્યો હતો.
આ પણ વાંચો: પવાર મુદ્દે અનિલ દેશમુખે હવે શું આપ્યું નિવેદન, જાણો હકીકત
અનિલ દેશમુખ અચાનક મારા પર આક્ષેપ કરવા લાગ્યા તે જાણીને હું આશ્ર્ચર્યચકિત થઈ ગયો છું. ત્રણ વર્ષથી કશું જ નહોતું. દેશમુખ હવે કહે છે કે મેં ફડણવીસ સાથે સોદો કર્યો છે. અનિલ દેશમુખ મને ટાર્ગેટ કરી રહ્યા છે કેમ કે તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે. તેઓ અત્યારે નિરાશ થઈ ગયા હોવાથી આવા આક્ષેપો કરી રહ્યા છે.
અનિલ દેશમુખે સોનુ જલાન અઅને રિયાઝ ભાટી નામના બે ગુનેગારોની મદદ લઈને મારી વિરુદ્ધ ખોટા ગુના દાખલ કરાવ્યા હતા. આ બંને ઘણી વખત સંજય પાંડેની મદદથી અનિલ દેશમુખની મુલાકાત લેતા હતા. સંજય પાંડે મેં લખેલો પત્ર પાછો ખેંચી લેવા માટે મારા પર દબાણ પણ લાવ્યા હતા, એમ પરમબીર સિંહે કહ્યું હતું.
આ પણ વાંચો: ફડણવીસના ઈશારે પરમબીર સિંહે મારા પર આક્ષેપો કર્યા: અનિલ દેશમુખ
પરમબીર સિંહે કહ્યું હતું કે અનિલ દેશમુખના પુત્ર સલીલ દેશમુખે ત્યારે મારી મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે 100 કરોડના વસૂલી બાબતે તમને જે પત્ર લખ્યો છે તે પાછો ખેંચી લો. અમે તમને ડીજીપી બનાવી દઈશું. તે મારા પગે પડ્યો હતો. તેવી જ રીતે જયંત પાટીલે અનિલ દેશમુખને રૂ. 100 કરોડની વસુલીનું ટાર્ગેટ આપ્યું હતું.
આ બધા જ નાણાં પાર્ટી ફંડ માટે જઈ રહ્યા હતા. મેં જે આક્ષેપો કર્યા હતા તે ફક્ત 10-20 ટકા જેટલો જ ભાગ છે. બાકી ખંડણીના અનેક પ્રકરણો છે. આ બધી વાતો મેં શરદ પવાર અને ત્યારના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળીને જણાવી હતી. જોકે તેમણે આ બધા પ્રકરણો પ્રત્યે આંખ આડા કાન કર્યા હતા. કેમ કે તેમને આ બધું પહેલેથી જ ખબર હશે એવું મને લાગી રહ્યું છે.
પરમબીર સિંહે મુંબઈની એક ન્યૂઝ ચેનલને ફોન પર આપેલી માહિતીમાં આ બધા આક્ષેપો કર્યા હતા.