ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનું પુનર્મિલનઃ જાણો અન્ય પક્ષોએ શું કહ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં બનેલી ઘણી મહત્વની રાજકીય ઘટનાઓમાંની એક રાજ ઠાકરેનુ શિવસેનાથી અલગ થવું અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની સ્થાપના કરવી પણ છે. શિવસેના સુપ્રીમો બાળ ઠાકરેની હયાતીમાં જ રાજ ઠાકરેએ માર્ચ, 2006માં અલગ પક્ષની સ્થાપના કરી હતી. ઉદ્ધવ ઠાકરે કરતા બાળ ઠાકરેની વધારે નજીકના માનવામાં આવતા રાજના આ નિર્ણયે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો હતો. ત્યારબાદ મનસેએ મરાઠી મતોમાં વિભાજન કરાવી શિવસેનાને ધક્કો પણ આપ્યો. જોકે મનસે શિવસેના કરતા મોટી ક્યારેય થઈ શકી નહીં. 2022માં શિવસેનામાં ફરી મોટા ભાગલા થયા અને એકનાથ શિંદેએ અલગ પક્ષ બનાવી ભાજપ સાથે સત્તા સંભાળી અને હાલમાં એકનાથ શિંદેની શિવસેના મહાયુતીની સરકાર ચલાવે છે.
બીજી બાજુ ઉદ્ધવ ઠાકરેની શિવેસના કૉંગ્રેસ અને એનસીપી સાથે મહાવિકાસ આઘાડીનો ભાગ છે, પરંતુ ત્રણેય પક્ષોએ મહારાષ્ટ્ર વિધાનસભામાં ઘણો ખરાબ દેખાવ કરતા શિવસેના (યુબીટી)ની હાલત પણ ખાસ્તા છે. જ્યારે રાજ ઠાકરેની મનસે માટે તો અસ્તિત્વની લડાઈ છે. હવે જો બન્ને ભાઈઓ સાથે આવે તો ફરી રાજકારણમાં એક મોટી ઘટના બને તે વાત નક્કી છે ત્યારે દરેક પક્ષે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઉદ્ધવેની રાજ સામે શરત
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠકારે સાથે આવે તેવા સંકેતો બન્નએ આપ્યા છે. જોકે ઉદ્ધવે રાજ સામે એક શરત મૂકી છે. તેણે કહ્યું છે કે જો સાથે આવે તો સાથે જ રહેવું પડશે. અમુક મામલે વિરોધ કરવો અને અમુક મામલે સાથે આવવું તે ફાવશે નહીં. મહારાષ્ટ્રના હીતની વાત નહીં કરે તેની સાથે કોઈપણ જાતનો સંબંધ રાખવામાં મને રસ નથી.
આ પણ વાંચો: રાજ ઠાકરેના મામાએ કહ્યું સારા સમાચાર મળ્યા છે, સંતુષ્ટ છું
રાજકીય પક્ષોએ શું કહ્યું
રાજ અને ઉદ્ધવના એક થવાની વાત વહેતી થયા બાદ રાજકીય પક્ષો પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ભાજપના નેતા અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બન્ને એક થશે તો અમને આનંદ થશે. જોકે તેમણે એમ પણ કહ્યું કે તેમના એક થવા છતાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એનડીએ જ જીતશે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સકપાલે જણાવ્યું હતું કે જો આમ થશે તો અમે તેમને આવકારીશું. મરાઠી ભાષા સહિતના મુદ્દાઓ મામલે ભાજપ મહારાષ્ટ્રવિરોધી નીતિ અપનાવી રહ્યું છે. એનસીપી (શરદ પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ પણ આ સમાચારને વધાવ્યા હતા. તેમણે કહ્યું કે આ બાળ ઠાકરેની હયાતીમાં થયું હોત તો તેઓ ખુશ થયા હોત જોકે આ પહેલીવાર નથી કે ચૂંટણી નજીક હોય અને બન્ને ભાઈઓ સાથે આવવાના સમાચારો વહેતા થાય, આથી જ્યાં સુધી સત્તાવાર રીતે જાહેરાત ન થાય ત્યાં સુધી રાજકીય અટકળો જ રહેશે.