ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધનની ચાલમાં રાજ ઠાકરેનો હાથ ઉપર, જાણો કઈ રીતે?

મુંબઈઃ મુંબઈ અને આસપાસના મેટ્રોપોલિટન રિજન સહિત રાજ્યના અનેક શહેરોમાં નાગરિક ચૂંટણીઓ પહેલાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના વડા રાજ ઠાકરે તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (યુબીટી) સાથે સંભવિત ગઠબંધનની ચર્ચામાં રાજ શરતો નક્કી કરી રહ્યા હોય તેવું લાગે છે, એમ રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું.
એકનાથ શિંદેના બળવાને કારણે ૨૦૨૨માં વિભાજનથી શિવસેના (યુબીટી) નબળી પડી ગઈ છે. ગયા વર્ષે નવેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીમાં ૨૮૮ સભ્યોના ગૃહમાં ફક્ત ૨૦ બેઠકો સાથે નબળો દેખાવ પણ એક અવરોધક પાસું છે. આ વિશ્લેષકોએ નિર્દેશ કર્યો છે કે ઘણા ભૂતપૂર્વ કોર્પોરેટરો અને નેતાઓએ ઉદ્ધવની આગેવાની હેઠળની પાર્ટી છોડી દીધી છે, જેના કારણે તેમણે મરાઠી મતોને એકીકૃત કરવા માટે રાજ ઠાકરેનો ટેકો મેળવવા માટે પ્રયત્નો કરવા પડી રહ્યા છે.
આ પણ વાંચો: ભાષા વિવાદ: રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે, મરાઠીઓને કરી આ અપીલ
અવિભાજિત શિવસેનાએ ૨૦૨૨ ની શરૂઆત સુધી લગભગ ત્રણ દાયકા સુધી દેશની સૌથી ધનિક નાગરિક સંસ્થા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર નિયંત્રણ રાખ્યું હતું. જોકે, મહાનગરમાં ૨૦૧૭ ની નાગરિક ચૂંટણીઓમાં, ભાજપની સંખ્યા શિવસેનાની ખૂબ નજીક હતી, પણ ભાજપે તે સમયે વિરોધ પક્ષમાં બેસવાનું પસંદ કર્યું. તેના કારણે બીએમસીની નિષ્ફ્ળતાઓ માટે શિવસેના જવાબદાર ગણાઈ અને ઠાકરે વિરોધીઓએ બીએમસીને રૂપિયા દોહવાની ગાય તરીકે વાપર્યાનો આક્ષેપ પણ કર્યો. મરાઠી ભાષાના નામ પર શાળાઓમાં ત્રણ ભાષાની નીતિના વિરોધમાં અંતે બંને ભાઈઓ એક થયા તેમાં રાજકીય મજબૂરી હોઈ શકે છે.
૧૯ એપ્રિલના રોજ ફિલ્મ નિર્માતા-અભિનેતા મહેશ માંજરેકર સાથેના પોડકાસ્ટમાં, રાજે કહ્યું હતું કે તેઓ મરાઠી ઓળખ અને મહારાષ્ટ્રના કલ્યાણ માટે તેમના અને ઉદ્ધવ વચ્ચે જૂનું “બધું ભૂલી જવા” તૈયાર છે. તે જ દિવસે, ઉદ્ધવે મતભેદો ઉકેલવાની તૈયારી દર્શાવીને પ્રતિક્રિયા આપી.
એમએનએસના આંતરિક સૂત્રોએ દાવો કર્યો હતો કે, ઉદ્ધવના પક્ષની નાજુક સ્થિતિ રાજ જાણે છે, એટલે તાકાતથી વાટાઘાટો કરે છે. ઉદ્ધવ, રાઉત અને અનિલ પરબ ગયા અઠવાડિયે શિવતીર્થમાં રાજને મળ્યા હતા. રાજના નિવાસસ્થાને બે કલાકથી વધુ સમય વિતાવ્યા પછી પણ, રાઉતે સૂર બદલીને કહ્યું કે તે પારિવારિક મુલાકાત હતી. તેનો સ્પષ્ટ અર્થ એ થયો કે રાજ ઠાકરે તરફથી કોઈ મજબૂત વલણ હશે જેના કારણે આવું વિધાન આપવું પડ્યું, એમ વિશ્લેષકે જણાવ્યું.
આ પણ વાંચો: કેન્દ્ર સરકારને ફડણવીસે જ આપ્યો ઝટકોઃ હિન્દી ભાષા મામલે લીધો યુ ટર્ન
ભૂતપૂર્વ પત્રકાર સંદીપ આચાર્યએ અભિપ્રાય આપ્યો હતો કે બંને પિતરાઈ ભાઈઓને એકબીજાની જરૂર છે પરંતુ બંને ભાઈઓનો જનાધાર લગભગ સમાન છે. ભૂતકાળમાં એવા કિસ્સાઓ બન્યા છે જ્યારે રાજે ઉદ્ધવ સાથે હાથ મિલાવવાની તૈયારી વ્યક્ત કરી હતી, પરંતુ બાદમાં તેમને અવગણ્યા હતા, તેમણે ઉમેર્યું.
ભાજપ નેતા આશિષ શેલારે વર્લી સંયુક્ત રેલીને “પારિવારિક પુનઃમિલન” ગણાવી હતી, જ્યારે પ્રવીણ દરેકરે કહ્યું હતું કે વર્તમાન ઘટનાઓમાં ઉદ્ધવની “લાચારી”. ઉદ્ધવે ૨૦ વર્ષ સુધી રાજને અવગણ્યા હતા.