‘પક્ષના કાર્યકર્તાઓ મારા વાઘ-નખ છે’ ઉદ્ધવ ઠાકરેએ આ નેતાને અબ્દાલી ગણાવ્યા

થાણે: શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (UBT) પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરના કાફલા પર ગઈકાલે શનિવારે થાણેમાં હુમલો (Uddhav Thackeray convoy attacked) કરવામાં આવ્યો હતો. આ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના કાર્યકરો તેમના ‘વાઘ-નખ’ ગણાવ્યા હત્યા અને કહ્યું કે તેઓ ‘અબ્દાલી’થી ડરતા નથી. અગાઉ, જ્યારે ઉદ્ધવ ઠાકરે તેમના પક્ષના કાર્યકરોની બેઠક માટે અહીં ગડકરી રંગાયતન ઓડિટોરિયમ પહોંચ્યા, ત્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના કાર્યકરોએ વિરોધ કર્યો અને તેમના કાફલા પર બંગડી, ટામેટાં અને ગાયનું છાણ ફેંક્યું હતું.
નોધનીય છે કે ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને ‘અહમદ શાહ અબ્દાલી’ કહ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાને ઉદ્ધવ ઠાકરે પર ‘ઔરંગઝેબ ફેન ક્લબ’ના વડા હોવાનો આરોપ લગાવ્યો હતો. કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, “મારા શિવસૈનિકો મારા ‘વાઘ-નખ’ છે, મને અબ્દાલીનો કોઈ ડર નથી.”
‘વાઘ-નાખ’ ને વાઘ-પંજો પણ કહેવામાં આવે છે, તે એક હાથથી પકડવાનું શસ્ત્ર છે. તેનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજે 1659માં બીજાપુર સલ્તનતના કમાન્ડર અફઝલ ખાનને મારવા માટે કર્યો હતો. આ હથિયાર હાલમાં સતારાના એક મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.
આ સિવાય ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર દિલ્હી સામે ઝૂકવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે આગામી વિધાનસભા ચૂંટણી રાજ્યને નફરત કરનારાઓ સામેની લડાઈ છે.
એકનાથ શિંદેના ગઢ ગણાતા થાણે શહેરમાં પાર્ટીના કાર્યકર્તાઓની સભાને સંબોધતા, તેમણે રાજ્ય સરકાર પર ઓક્ટોબરની ચૂંટણીના મહિનાઓ પહેલા યોજના ‘મુખ્યમંત્રી લાડકી બહેન યોજના’ની જાહેરાત કરીને મતદારોને ‘લાંચ’ આપવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે મહિલાઓએ આ યોજનાનો લાભ લેવો જોઈએ કારણ કે તે તેમના પોતાના પૈસા છે, પરંતુ તેઓએ તેમના સ્વાભિમાન સાથે સમાધાન કરવું જોઈએ નહીં. શિવસેના પ્રમુખ એકનાથ શિંદે પર પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું, “તેઓ દિલ્હી સામે નમી રહ્યા છે.”
તેમણે કહ્યું કે શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનો સંઘર્ષ દિલ્હી સામે ન ઝૂકવાનો હતો.