આમચી મુંબઈમહારાષ્ટ્ર

દિલ્હીમાં ઉદ્ધવ ઠાકરેની મીટિંગ અંગે હવે શિંદેની સેનાના નેતાએ કર્યાં ગંભીર આક્ષેપ

મુંબઈ: ગયા અઠવાડિયે ઉદ્ધવ ઠાકરે દિલ્હી પહોંચ્યા અને તેમણે કૉંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા કરી ત્યારબાદ તે મુખ્ય પ્રધાન બનવા માટે હવાંતિયા મારતા હોવાની ટીકા ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્ધવની દિલ્હી મુલાકાત પર એકનાથ શિંદેની શિવસેના દ્વારા અત્યંત ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન પદ મેળવવા માટે મારે છે હવાતિયાઃ કેન્દ્રીય પ્રધાને નિશાન તાક્યું

દુબઇમાં ધરપકડ કરવામાં આવેલા અબજો ડૉલરના ગોટાળાના ફરાર આરોપી ગુપ્તા બ્રધર્સ સાથે ઉદ્ધવ ઠાકરે સાંઠગાંઠ ધરાવતા હોવાનો આરોપ એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા સંજય નિરુપમે મૂક્યો છે. પત્રકાર પરિષદ દરમિયાન બોલતા સંજય નિરુપમે જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે ત્રણ દિવસની દિલ્હી મુલાકાતે હતા ત્યારે તે પત્ની રશ્મી ઠાકરે, દીકરા આદિત્ય ઠાકરે સાથે સંજય રાઉતના નિવાસસ્થાને રોકાયા હતા.

આ પણ વાંચો: ઉદ્ધવ ઠાકરેના કાફલા પર હુમલા અંગે હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આપી પ્રતિક્રિયા….

એ મીટિંગ દરમિયાન રાઉતના બંગલે ઉદ્ધવ ઠાકરેએ ગુપ્તા બ્રધર્સ સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવે અડધો કલાક સાથે અડધો કલાક સુધી ગુપ્તા ભાઇઓ સાથે વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન શું ચર્ચા થઇ તે પ્રશ્ન છે.

આ પ્રશ્નો પૂછ્યા સંજય નિરૂપમે..

1-નિરુપમે ઉદ્ધવ રાઉતના ઘરે શા માટે રોકાયા તે વિશે સવાલ કરતા પૂછ્યું હતું કે સામાન્ય રીતે ઉદ્ધવ દિલ્હી જાય છે ત્યારે તે મૌર્યા અથવા તાજ હોટેલમાં મુકામ રાખે છે. આ વખતે શા માટે તે રાઉતના બંગલે રોકાયા?

2-દહેરાદૂનના બિલ્ડરની આત્મહત્યા પ્રકરણે જેલમાં જઇ ચૂકેલા અજય ગુપ્તાને મળીને તે ગુપ્તા ભાઇઓ પાસેથી ભંડોળ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે?

3-બિલ્ડરો પાસેથી દલાલી ઉઘરાવવા માટે રાઉત કુખ્યાત છે અને તે પાત્રા ચાલ કૌભાંડમાં જેલ પણ જઇ આવ્યા છે. તેમના અનેક વ્યવહારો બિલ્ડર સાથે ચાલતા હોય છે. શું ગુપ્તા બ્રધર્સ સાથે પણ તેમની લેવડ-દેવડ હતી?

4-ઠાકરે કુટુંબનો મોટો વ્યવસાય ભારતની બહાર ચાલે છે. લંડનમાં બંગલો છે, ફાઇવ સ્ટાર હોટેલો છે. શું દક્ષિણ આફ્રિકામાં પણ તેમણે રોકાણ કર્યું હતું અને ગુપ્તા બ્રધર્સની તેમાં કોઇ ભૂમિકા હતી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button