આમચી મુંબઈ

ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં ગાંજાનું સેવન વધ્યાનો પોલીસનો દાવો

ક્રાઈમ બ્રાન્ચે ત્રણ સ્થળેથી ત્રણ આરોપીની ધરપકડ કરી 5.80 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
અંધેરી નજીકના ઓશિવરા અને દાદર પરિસરમાંથી ગાંજાના બે તસ્કરની ધરપકડ કરનારી પોલીસે દાવો કર્યો હતો કે ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં સારી ગુણવત્તાના ગાંજાના સેવનનું પ્રમાણ વધી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના ત્રણ યુનિટે એક દિવસમાં ત્રણ સ્થળે કાર્યવાહી કરી અંદાજે 5.80 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

એએનસીના આઝાદ મેદાન, ઘાટકોપર અને વરલી યુનિટે સોમવારે કાર્યવાહી કરી ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ પરથી એવો નિષ્કર્ષ નીકળે છે કે સારી ગુણવત્તાના ગાંજાની ઉચ્ચ શિક્ષિત યુવાનોમાં ઘણી ડિમાન્ડ છે. આ ગાંજો ઊંચી કિંમતે વેચાતો હોવાનું પોલીસનું કહેવું છે.

આપણ વાંચો: ઝૂંપડપટ્ટીમાં ગાંજાના વેચાણનો વિરોધ કરનારી મહિલા, તેની દીકરી પર હુમલો

ઓશિવરાના લોખંડવાલા વિસ્તારમાં ગાંજો વેચવા એક તસ્કર આવવાનો હોવાની માહિતીને આધારે ઘાટકોપર યુનિટના અધિકારીઓએ છટકું ગોઠવ્યું હતું. પકડાયેલા શખસ પાસેથી અંદાજે 2.4 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો.

બીજી બાજુ, એએનસીના વરલી યુનિટે દાદરમાં કૅટરિંગ કૉલેજ નજીકથી ડ્રગ્સ તસ્કરને તાબામાં લીધો હતો. તેની પાસેથી પણ અંદાજે 3.55 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો મળી આવ્યો હતો. અધિકારીઓ પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ કરી રહ્યા છે.

એએનસીના ઘાટકોપર યુનિટે પણ ડ્રગ્સ તસ્કર વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. પવઈના સાકીવિહાર રોડ પરથી એક શખસને તાબામાં લઈ તેની પાસેથી 21.60 લાખ રૂપિયાનું એમડી જપ્ત કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button