યુ ટર્નઃ વિવાદાસ્પદ નિવેદન કર્યા પછી એનસીપીના નેતાએ માગી માફી
મુંબઈઃ ભગવાન રામને માંસાહરી કહેનારા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા જિતેન્દ્ર આવ્હાડે માફી માગીને વિવાદ પર પૂર્ણવિરામ મૂકાયું છે. તેમણે કહ્યું હતું કે ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે. પોતાના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે માફી માગતા આવ્હાડે કહ્યું હતું કે હું આ બાબતને લઈ કોઈ વિવાદ ઊભો કરવા ઈચ્છતો નથી, પરંતુ વાલ્મિકી રામાયણમાં અનેક કાંડ છે, જેમાં અયોધ્યા કાંડ પણ છે. શ્ર્લોક નંબર 102 છે, જેમાં ઉલ્લેખ પણ છે.
આવ્હાડે કહ્યું હતું કે હું કંઈ રિસર્ચ કર્યા વિના બોલતો નથી. આ મુદ્દે હું કોઈ વિવાદ કરવા ઈચ્છતો નથી, પરંતુ મારી કોઈ વાતથી જો કોઈને દુખ થયું હોય તો હું માફી માગુ છું. આ મુદ્દે હું માફી માગું છું, ક્યારેક કોઈનાથી ભૂલ પણ થઈ જાય છે.
શરદ પવાર જૂથના એનસીપીના નેતા જિતેન્દ્ર આવ્હાડે ભગવાન રામને લઈ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. આવ્હાડે નિવેદન કરીને વિવાદ ઊભો થયો હતો. આવ્હાડે કહ્યું હતું કે રામ અમારા છે અને બહુજન છે. રામ શાકાહારી નહીં માંસાહારી હતા. તેઓ શિકાર કરતા હતા.
આ નિવેદન આપ્યા પછી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને અજિત જૂથના નેતાઓએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. અજિત પવાર જૂથ (એનસીપી)ના કાર્યકર્તાઓએ મુંબઈમાં આવ્હાડની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, સાધુ સંતોએ પણ આવ્હાડના નિવેદનને વખોડી કાઢ્યું હતું.