દહિસરમાં મંદિરની ત્રણ દાનપેટીમાંથી રોકડ ચોરનારો યુવક પકડાયો

મુંબઈ: દહિસર વિસ્તારમાં આવેલા મંદિરમાં પ્રવેશીને ત્રણ દાનપેટીમાંની રોકડ ચોરનારા 20 વર્ષના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો. યુવકની ઓળખ બાદલકુમાર રામતાર દાસ તરીકે થઇ હોઇ તેની પાસેથી ચોરેલી રોકડ તથા ટ્રક-રિક્ષાની ચાર બેટરી જપ્ત કરાઇ હતી. આરોપી વિરુદ્ધ દહિસર પોલીસ સ્ટેશનમાં બે ગુના દાખલ છે.
દહિસર પૂર્વમાં મરાઠા કોલોની ખાતેના પિંપળેશ્ર્વર મહાદેવ મંદિરમાં 20 નવેમ્બરે રાતે નવ વાગ્યાથી 21 નવેમ્બર સવારે 6.40 વાગ્યા દરમિયાન આ ઘટના બની હતી. દક્ષિણ તરફના પ્રવેશદ્વારમાંથી ઘૂસેલો ચોર ત્રણ દાનપેટીમાંથી આઠ હજાર રૂપિયા ચોરી ગયો હતો. ચોરીની આ ઘટના પ્રકાશમાં આવતાં મંદિરના ટ્રસ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
દહિસર પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. પોલીસે ઘટનાસ્થળે તેમ જ આસપાસના વિસ્તારમાંના પચીસથી ત્રીસ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા અને બાદમાં મળેલી માહિતીને આધારે ગુનામાં સંડોવાયેલા બાદલકુમાર દાસને તાબામાં લીધો હતો. પૂછપરછમાં તેણે ગુનાની કબૂલાત કરી તી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ટ્રક સાથે એસયુવી ટકરાતાં બે યુવકનાં મોત: પાંચ જણ ઘાયલ



