ટ્રેક પર સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં બે ટીનેજરનાં મોત
મુંબઈ: નાશિક જિલ્લામાં સોશિયલ મીડિયા માટે રેલવે ટ્રેક પર રીલ્સ શૂટ કરતી વખતે અને સેલ્ફી લેતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં બે ટીનેજરનાં મોત થયાં હતાં. ગવર્નમેન્ટ રેલવે પોલીસના જણાવ્યા અનુસાર વાલ્દેવી નદીના બ્રિજ નજીક રેલવે ટ્રેક પર શનિવારે સાંજે આ ઘટના બની હતી. મૃતકોની ઓળખ સંકેત કૈલાસ રાઠોડ અને સચિન કારવાર તરીકે થઇ હોઇ તેઓ રેલવે ટ્રેક પર રીલ્સ શૂટ કરી રહ્યા હતા અને સેલ્ફી લઇ રહ્યા હતા. ત્યારે પાછળથી ટ્રેન આવી રહી છે તેનું તેમને ભાન નહોતું રહ્યું. બંને ટીનેજરના ઘટનાસ્થળે મોત થયાં હતાં. બંને જણ દેવલાલી કેમ્પ ખાતેની ભાટિયા કોલેજના વિદ્યાર્થી હતા. (પીટીઆઇ)
બેન્કના નિવૃત્ત કર્મચારીએ શેર ટ્રેડિંગમાં રૂ. 87 લાખ ગુમાવ્યા
નાગપુર: નાગપુરમાં બેન્કના નિવૃત્ત કર્મચારીને શેર ટ્રેડિંગમાં રોકાણ પર સારા વળતરની લાલચ આપીને રૂ. 87.6 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ભારતીય દંડસંહિતા અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. 60 વર્ષના ફરિયાદીની તેની પુત્રીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેસેજ આવ્યો હતો, જેમાં ઍપ અંગે જણાવાયું હતું અને રોકાણ પર સારા વળતર અંગે માહિતી આપવામાં આવી હતી. ફરિયાદીએ ઍપ ડાઉનલોડ કરી હતી અને કહેવા પ્રમાણે તેણે 16 મેએ ઓનલાઇન કોર્સ પૂરા કર્યા હતા. બાદમાં તેણે રૂ. 87.6 લાખ ત્રણ કંપનીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. જોકે રોકાણ પર કોઇ વળતર ન મળતાં પોતે છેતરાયો હોવાનું ફરિયાદીના ધ્યાનમાં આવ્યું હતું. (પીટીઆઇ)
નાગપુરમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લેબર કોન્ટ્રેક્ટરની હત્યા
નાગપુર: મહિલાને લઇ થયેલા વિવાદમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લેબર કોન્ટ્રેક્ટરની હત્યા કરાઇ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ પ્રકરણે 19 વર્ષના યુવકની ધરપકડ કરી હતી, જ્યારે બે કિશોરને તાબામાં લીધા હતા.
નાગપુરના એમઆઇડીસી વિસ્તારમાં શનિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા લેબર કોન્ટ્રેક્ટરની ઓળખ બાદલ નિંબ્રાતે (27) તરીકે થઇ હતી.
આરોપી રાજ અનિલ પાટીલની ગર્લફ્રેન્ડની બાદલ છેડતી કરતો હતો અને ગર્લફ્રેન્ડથી દૂર રહેવાની તેને આરોપીએ ચેતવણી પણ આપી હતી. આ બાબતને લઇ વિવાદ થતાં બાદલની હત્યા કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)