યુનિફોર્મમાં રીલ્સ બનાવનારા બે પોલીસકર્મચારીઓ સસ્પેન્ડ
મુંબઈઃ પુણેમાં ડ્રીમ-11માં દોઢ કરોડ રૂપિયા જીતનારા પોલીસને સસ્પેન્ડ કરવાનું પ્રકરણ હજી તાજુ જ છે ત્યાં મુંબઈમાં પણ યુનિફોર્મ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવનારા બે રેલવે પોલીસને પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે.
ગણેશોત્સવ દરમિયાન યુનિફોર્મ પહેરીને સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરવા પ્રકરણે બે રેલવે પોલીસને સસ્પેન્ડ કરવામાં આવી છે. મધ્ય રેલવે પર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ અને પશ્ચિમ રેલવેમાં પોલીસ સ્ટેશન પર ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે હાલમાં જ ગણેશોત્સવ દરમિયાન યુનિફોર્મમાં વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.
વરિષ્ઠ અધિકારીના ધ્યાનમાં આવતાં જ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેથી જ્યાં સુધી ઈન્ક્વાયરી ચાલશે ત્યાં સુધી બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીએ આ બાબતે જણાવ્યું હતું કે યુનિફોર્મની શિસ્ત જાળવવી જોઈએ શિસ્તભંગ કરવા પ્રકરણે આ બંને પોલીસ કર્મચારીઓની તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત વસઈ રેલવે પોલીસ સ્ટેશમાં બે પોલીસ કર્મચારીઓ સામે કોચિંગ સેન્ટર ચલાવવા પ્રકરણે પણ સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું વરિષ્ઠ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું. સસ્પેન્ડ કરવામાં આવેલા બે પોલીસમાં એક પોલીસ અધિકારીનો સમાવેશ થાય છે. આ પ્રકારની ગેરવર્તણૂંક ચલાવી નહીં લેવામાં આવે અને લોકોને એક ચોક્કસ મેસેજ મળવો ખૂબ જ આવશ્યક છે અને એટલે જ વરિષ્ઠ અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.